Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

આણંદના વઘાસી ગામ પાસેની સોસાયટીમાં ડોકટરના મકાનમાં લૂંટારુ ત્રાટક્યા: સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરી

આણંદ: વઘાસી ગામની તીર્થવદન સોસાયટીમાં આવેલા ડોક્ટરના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ બારીના સળિયા કાપીને અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળીને કુલ ૬૫ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે આણંદ રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર અમુલ વેટરનરીમાં સબ સેન્ટર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. ઈન્દ્રવદનભાઈ ઈશ્વરલાલ નાયક ગત ૨૯મી તારીખના રોજ સસરા બીમાર હોય તેમને લેવા માટે પરિવાર સાથે મકાન બંધ કરીને સાસરી સાબરકાંઠા જિલ્લાના મટોડા ગામે ગયા હતા. દરમ્યાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બેડરૂમની બારીના લોખંડના સળિયા કાપી નાંખીને ઉંદર ઘુસ્યા હતા અને બેડરૂમમાં મુકેલી લોખંડની તિજોરી તોડીને અંદર મુકેલ પાંચ તોલા સોના-ચાંદીના દાગીના તથા ત્રણ કાંડા ઘડિયાળ, ૩૦ હજાર રોકડા વગેરે મળીને કુલ ૬૫ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આજે પરત ફરેલા ડોક્ટરે ધરનો દરવાજો ખોલતાં બેડરૂમમાં તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોયો હતો જેથી તપાસ કરતાં ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. જેથી તુરંત આણંદ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને ડોક્ટરની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ઘરી હતી.

(4:34 pm IST)