Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ડભાસી ગામ પાસે વિટકોસ બસે બાઇકને ટક્કર મારતા બે મોતને ભેટ્યા

બોરસદ: ધર્મજ રોડ ઉપર આવેલા ડભાસી ગામની હોટલ પાસે ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી વીટકોસ બસે બાઈકને ટક્કર મારતા ગામના બે યુવાનોના મોત થયા હતા. અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ડભાસી ગામે રહેતા જશભાઈ નટુભાઈ ચૌહાણ તથા વિષ્ણુભાઈ ગોરધનભાઈ ચૌહાણ ગઈકાલે સમી સાંજના સુુમારે બાઈક નંબર જીજે-૨૩, બીજે-૫૩૫૬ ઉપર સવાર થઈને બોરસદ જવા માટે નીકળ્યા હતા. સાડા સાતેક વાગ્યાના સુમારે બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલી સ્વાગત હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી વીટકોસ બસ નંબર જીજે-૧૮, એએક્સ-૬૯૪૮એ ટક્કર મારતાં બન્ને યુવાનો રોડ ઉપર પટકાયા હતા જેમાં જશભાઈ ચૌહાણને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે વિષ્ણુભાઈ ગોરધનભાઈ ચૌહાણને ગંભીર ઈજાઓ થતાં તેને તુરંત પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલત વધુ ગંભીર હોય વડોદરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં મધ્યરાત્રીના સુમારે અવસાન થયું હતુ. અકસ્માત બાદ વીટકોસ બસનો ચાલક બસને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે-પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ આવી ચઢી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો દૂર કરીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો. પોલીસે ફરાર થઈ ગયેલા ડ્રાયવર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:34 pm IST)