Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સ્કૂલ બોર્ડની 'ખાદીગીરી' શિક્ષકોને ફરજિયાત ખાદી ખરીદવાનો આદેશ

અમદાવાદ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી શાળાઓના શિક્ષકો, આચાર્ય અને અન્ય સ્ટાફના સભ્યો માટે સરકારે ખાદી ખરીદવી ફરજિયાત કરી

અમદાવાદ તા. ૨ : ૨ ઓકટોબર મંગળવારના રોજ અમદાવાદ શહેરની ખાદીની લગભગ દરેક દુકાનમાં સામાન્ય કરતા વધારે ભીડ જોવા મળશે. આજના દિવસે ખાદી ખરીદવા આવેલા લોકોમાં ખાસકરીને સ્કૂલ ટીચર્સ જોવા મળશે. કારણકે અમદાવાદ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી શાળાઓના શિક્ષકો, આચાર્ય અને અન્ય સ્ટાફના સભ્યો માટે સરકારે ખાદી ખરીદવી ફરજિયાત કરી છે.

આ ઓર્ડર માત્ર જિલ્લા પંચાયત આવતી સ્કૂલો માટે જ નહીં, પરંતુ AMCના સ્કૂલ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓ અને DEO માન્ય શાળાઓના પ્રાથમિક, સેકન્ડરી અને હાઈઅર સેકન્ડરીના શિક્ષકો માટે પણ છે. પરિપત્ર અનુસાર, નોટિફિકેશન નંબર ૬૮-સી અનુસાર, શાળાઓના સ્ટાફના દરેક સભ્યએ ૨ ઓકટોબરના રોજ ૧૧.૩૦ વાગ્યે એલિસબ્રિજ ખાતે આવેલા ખાદી મંદિરમાં ખાદીની ખરીદી કરવાની રહેશે. સરકારી સૂત્રો અનુસાર, ૧૬૦૦૦ શિક્ષકો અને અન્ય સ્ટાફના સભ્યો અમદાવાદમાં આજે ખાદી ખરીદશે.

AMC સ્કૂલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર લગધીર દેસાઈ જણાવે છે કે, AMC દ્વારા સંચાલિત શાળાઓના લગભગ ૪૦૦૦ શિક્ષકોને એક અઠવાડિયાની અંદર ખાદી ખરીદવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના DEO નવનિત મેહતાએ પણ પૃષ્ટિ કરી છે કે, ૫૦૦૦ શિક્ષકો, અન્ય સ્ટાફ મેમ્બર્સ અને આચાર્યોને ખાદી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જો કે સરકારના આ આદેશ પર પ્રશ્નો થઈ રહ્યા છે. નામ જાહેર ન કરવાની શરતે એક શિક્ષકે જણાવ્યું કે, ખાદી પહેરવી એ અંગત પસંદગીનો વિષય છે. જો હું ખાદી ન પહેરુ તો શું તેનાથી મહાત્મા ગાંધી માટે મારા મનમાં માન ઘટી જશે? શું ખાદી ગાંધીજી પ્રત્યેના આદરને દર્શાવવા માટેનું એકમાત્ર પરિબળ છે?

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આદેશ આપ્યો હતો કે શિક્ષણ સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓમાં મંગળવારના દિવસે ખાદી ફરજિયાત કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારી અધિકારીઓએ જ આ નિયમનું પાલન ન કરતા આ પ્રસ્તાવનો ફિયાસ્કો થયો હતો.(

(3:36 pm IST)