Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

૧૨ ઓકટોબર ત્રીજા નોરતે દહેજ-ઘોધા રો-રો ફેરી સર્વિસ શરૂ થશે : સુરત બદસુરત નહી પણ ખુબસુરત અને જોડનારૂં શહેર રહયું છે : ગુજરાતને ટેન્‍કરમુકત અને ફાટકમુકત બનાવાશે : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે સુરત શહેરીજનોને રૂ.૮૨પ કરોડના વિકાસકામોની ભેટ

સુરતને સ્‍વચ્‍છતા સાથે પુ. મહાત્‍મા ગાંધીજીના મૂલ્‍યોને જીવંત રાખવા સુરતલાલાઓને આહવાન : રાજયનો પ્રથમ ટુ વે કેબલ બ્રીજ સુરતની શાન છે :

         ગાંધીનગર :  મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરને રૂા.૮૨પ કરોડના વિકાસકામોની ભેટ ધરી, સ્‍વચ્‍છતાના આગ્રહી  એવા પુ. મહાત્‍મા ગાંધીજીના મૂલ્‍યોને જીવંત રાખી, સાચી શ્રધ્‍ધાંજલિ આપવા શહેરીજનોને આહવાન કર્યું હતું.

         મુખ્‍યમંત્રીશ્રીએ અઠવાઇલાઇન્‍સ ખાતે રૂા.૧૪૩.૮૬ કરોડના ખર્ચે નિમાર્ણાધિન કેબલ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકયો હતો. સાથે જ ૩૦૦ સીટીબસ સેવા અને ફાયર ફાઇટરના અદ્યતન સાધનોને ફલેગ ઓફ દ્વારા પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ રૂ.૧૪૮.૦૭ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, રૂ.૩પ૪.૧૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૧૭૯.૩૧ કરોડના રીંગરોડ બીજા ફેઝનું ડીજીટલ તખ્‍તી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતુ. આ અવસરે રાજય આરોગ્‍ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, રાજય રમતગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોષ સહિત ધારાસભ્‍યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા.

         અડાજણ સંજીવકુમાર હોલ ખાતે મુખ્‍યમંત્રીશ્રીએ પુ. મહાત્‍મા ગાંધીજીને સુતરની આટી પહેરાવી શ્રદ્વાસુમન અપર્ણ કર્યા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છતા આઝાદી અને સ્‍વચ્‍છતાની પસંદગી કરવાની હોય તો સ્‍વચ્‍છતાને પ્રથમ પસંદ કરીશ, એવા ગાંધીજીના વિચારો હતી, એવા વિચારોને મુર્તિમંત બનાવીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ  સ્‍વચ્‍છતા અભિયાનને દેશનું અભિયાન બનાવ્‍યું છે.  સમગ્ર દેશે આ વાત ઝીલીને તમામ લોકો સ્‍વચ્‍છતાના અભિયાન માં જોડાઇને ભારત સ્‍વચ્‍છતા સાથે વિશ્વની મહાસત્તા બને એ દિશા તરફ ગુજરાત સંકલ્‍પબદ્વ બન્‍યું છે. 

         મહાત્‍મા ગાંધીજીએ સર્વધર્મ સમભાવ સાથે દેશની એકતા અખંડિતતા ઉપર જેમને વિશ્વાસ નથી, દેશને છિન્નભિન્ન કરનારા તત્‍વો માટે ગાંધી વિચારો જીવંત છે. સૈકાઓ સુધી ગાંધીજી અને ગાંધી વિચારો જીવંત છે. દેશની અંખડિતતા સામે વિરોધ કરનારાઓએ બોધપાઠ લેવાની મુખ્‍યમંત્રીશ્રીએ શીખ આપી હતી.

         ગાંધીજીની આઝાદી લડત પછી સ્‍વરાજયની સાથે સુરાજયની કલ્‍પના કરી હતી.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍વાવલંબન, સ્‍વદેશીની પુ.ગાંધીજીની વિચારધારાને અનુસરીને મેઇક ઇન ઇન્‍ડિયા  માધ્‍યમ વડે ઉજાગર કરી હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

         મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  લાઇફ ફોર જીવન, દેશનો વિકાસ, દેશની પ્રતિષ્‍ઠાને આગળ વધારીને પુ. મહાત્‍મા ગાંધીજીને સાચી શ્રધ્‍ધાજંલિ આપવા આહવાન કર્યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે,  ગુજરાત અને ગાંધી એકબીજાના પર્યાય છે જેનું ગૌરવ છે. સુરત સાથે પણ ગાંધીજીનો નાતો રહયો છે. બારડોલી સત્‍યાગ્રહ હોય કે દાંડી સત્‍યાગ્રહ હોય અહીના લોકોએ આઝાદીના જંગમાં જોડાઇને બલિદાનો આપ્‍યા છે, તે કયારેય એળે નહી જાય.

          ગુજરાતમાં વિકાસની મોસમ સોળે કલાએ ખીલી છે. સુરતએ બ્રીજોની નગરી છે. કેબલ બ્રીજએ સુરતની શાન છે. શહેરીજનો માટે આ ૧૨૦ મો બ્રીજ છે. સુરત હંમેશા જોડનારૂ રહયું છે. સ્‍વચ્‍છતા અભિયાનમાં બદસુરત નહી ખુબસુરત સાથે વિશ્વના શહેરોમાં ઓળખ પ્રસ્‍થાપિત કરે ખમીર બતાવશે તેવો પુર્ણ વિશ્વાસ વ્‍યકત કરી, શહેરના વિકાસની ઊની આંચ નહી આવે તે માટે સરકાર મહાનગરપાલિકાની તમામ મદદ પૂરી પાડશે. એમ ભારપુર્વક જણાવ્‍યું હતું. 

         ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગપાલિકાનો સમુચિત વિકાસ થાય તે માટે રાજય સરકારે ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે. સુવ્‍યવસ્‍થિત વિકાસ થાય તે માટે અલગ કમિશનરેટ બનાવ્‍યું છે. ટ્રાફિક વ્‍યવસ્‍થા, સલામતી અને સ્‍માર્ટ સિટીના કન્‍સેપ્‍ટમાં આગળ વધી રહયા છે.

         મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાત ટેન્‍કરમુકત, ફાટકમુકત અને હેન્‍ડપંપમૂકત બને તે દિશામાં  વિકાસના કાર્યો સાથે ગુજરાત વિકાસની ઊંચાઇઓ ઝડપથી સર કરશે, એવી ભાવના વ્‍યકત કરી હતી.

         મુખ્‍યમંત્રીશ્રીએ ૧૨ ઓકટોબર ત્રીજે નોરતે દહેજ-ઘોઘા બંદર રો-રો ફેરી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ સેવાના કારણે જેમાં નાના વાહનોથી માંડીને મોટા વાહનોનું પણ વહન થઇ શકશે. ભારતમાં સર્વપ્રથમ રો રો ફેરી સેવા હશે.

         મહેસુલ મંત્રી અને સુરતના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે સુરત મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ૨જી ઓકટોબર પુ. મહાત્‍મા ગાંધીજી જયંતિ સુરત માટે ઐતિહાસિક બની રહયો છે. રૂા.૮૦૦ કરોડ ઉપરાંતના વિકાસકામો શહેરીજનોને ચરણે ધર્યા છે. મુખ્‍યમંત્રીશ્રીનો પારદર્શક વહીવટ અને ત્‍વરાએ નિર્ણય કરવાની શકિતના કારણે ગુજરાતે વિકાસની વાટ પકડી છે. તેમણે સત્‍ય, અહિંસા, માનવતાના પુજારીના ધરોહર પુ. મહાત્‍માના વિચારધારાને જીવનમાં ઉતારી સાચી શ્રદ્વાજંલિ આપવા સૌને અનુરોધ કર્યો હતો.

         મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારે નગરોનો વિકાસ થાય તે માટે બજેટમાં વધારો કર્યો છે. રૂા.૧૨પ૦૦ કરોડના બજેટની જોગવાઇ મહાનગરો/નગરપાલિકાઓ માટે કરી છે. સુરત માટે રૂા.૪૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજય સરકાર પારદર્શક વહીવટ સાથે શહેરોના વિકાસ માટે કટિબદ્વ છે.

         કાર્યક્રમ દરમિયાન રૂા.૧૩ લાખથી વધુના ચેકો મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધી માટે મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા. મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે વર્ષ ૨૦૧પ થી જુન-૧૮ વિકાસયાત્રા પુસ્‍તિકા અને સુરત સોનાની મૂરત પુસ્‍તકનું પુનઃ મુદ્રણ આવૃતિનું વિમોચન કર્યું હતું.  શહેરના મેયર ર્ડા.જગદીશ પટેલે સૌને આવકારી ત્રણ દાયકામાં થયેલા વિકાસની ઝાંખી કરાવી હતી.

(4:24 pm IST)