Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ત્રણ વર્ષ પહેલાં મંદિરમાં ગયેલા દિકરાને ઘરે લઇ જવા માટેની પેરન્ટ્સની ઇચ્છા અધૂરી રહી

અમદાવાદના હરે કૃષ્ણ મંદિરનો કિસ્સોઃ ર૬ વર્ષનો પુત્ર ઘરે જવા તૈયાર નથીઃ દિકરાનું મંદિરમાં બ્રેઇનવોશ કરવામાં આવ્યું હોવાનો પેરન્ટ્સનો આરોપઃ જો કે દિકરાએ કહ્યું કે મેં મારું જીવન મંદિરમાં સમર્પિત કર્યું

સુખદ યાદઃ રમેશ પટેલ, પત્ની શર્મિલા પટેલ અને દિકરો દિશાંત તેના જન્મ દિવસે.(ફાઇલ ફોટો)

અમદાવાદ તા.૨: અમદાવાદ નજીક ભાડજ ગામ પાસે આવેલા હરે કૃષ્ણ મંદિરમાં સ્વામી બની ગયેલા દિકરાને પાછો લાવવા મુદ્દે ગઇકાલે મોડી સાંજે મંદિરમાં વિવાદ થયો હતો. આખો પરિવાર પોતાના સંતાનને લેવા તો ગયો, પરંતુ દિકરો પાછો આવવા તેૈયાર ન થતાં પરિવારને નિરાશા સાંપડી હતી અને મંદિર પરિસરમાં રોકકળ થવા પામી હતી.

નરોડામાં રહેતા રમેશ પટેલનો ૨૬ વર્ષનો દિકરો દિશાંત હરે કૃષ્ણ મંદિરમાં ત્રણ વર્ષ પહેલાં ગયો હતો અને સત્સંગમાં રોકાયા બાદ પાછો ફર્યો નહોતો. જો કે માતા-પિતાએ તેને સમજાવીને ઘરે પાછો લાવવા પ્રયાસો કર્યા હતા, પણ દિકરો પાછો નહોતો આવતો. આ પ્રયાસોની વચ્ચે વધુ એક વાર ગઇકાલે સાંજે રમેશ પટેલ, તેમનાં મિસિસ શર્મિલા પટેલ અને પરિવારના સભ્યો ભાડજ ગામ પાસે આવેલા હરે કૃષ્ણ મંદિરમાં તેમના દિકરાને લેવા માટે પહોંચ્યાં હતાં. દિકરો માતા-પિતા કે પરિવારજનોને મળવા તેૈયાર નહોતો. મીડિયા સમક્ષ દિશાંતના પેરન્ટ્સ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે અમારા દિકરાનું મંદિરમાં બ્રેઇનવોશ કરવામાં આવ્યું છે.

હરે કૃષ્ણ મંદિર વતી શ્યામચરણસ્વામીએ મીડિયા સમક્ષ પેરન્ટ્સના આક્ષેપોને નકારતાં કહ્યું હતું કે 'અમે કોઇનું બ્રેઇનવોશ નથી કર્યું. મંદિરમાં જેને સેવા કરવા આવવું હોય તે આવે છે અને જવું હોય તે જાય છે.'

દિશાંત ઉર્ફે દીનબંધુસ્વામીએ મીડિયાને કહ્યું હતું કે 'મેં ત્રણ વર્ષ પહેલાં હરે કૃષ્ણ મંદિરમાં જીવન સમર્પિત કર્યું હતું. એમાં કોઇનો ફોર્સ નહોતો, કોઇનો હાથ નથી. નિર્ણય લેવા માટે પુખ્ત વયની વ્યકિત તરીકે હું કેપેબલ છું. પુખ્ત વયનો ઇન્સાન જીવન ડેડિકેટ કરે તો આપણે તેનો રિસ્પેકટ કરવો જોઇએ.'(૧.૪)

 

(10:37 am IST)