Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગુજરાત કોંગ્રેસે ચોકીદાર કે ભાગીદાર?ના હેડિંગ સાથે બહાર પાડી પત્રિકા : સરકાર પર કર્યા પ્રહાર

૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ વખતે રાજ્યમાં લડી લેવાના મૂડ : વિધાનસભામાં સફળતા મળ્યા બાદ કોંગ્રેસ વધુ આક્રમક બની

અમદાવાદ તા. ૨ : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં માહોલ ગરમ બનતો જાય છે. અત્યારે ભાજપ કે કોંગ્રેસ એકબીજા સામે પ્રહાર કરવાની કોઈપણ તક ગુમાવતા નથી. વિવિધ મુદ્દે ભાજપ સરકારને ઘેર્યા બાદ કોંગ્રેસે હવે એક પત્રિકા બહાર પાડી છે. આ પત્રિકામાં કેન્દ્ર સરકારની ચાર વર્ષની નિષ્ફળતાને દર્શાવવામાં આવી છે. ચાર વર્ષ સુધીના શાસનમાં મોદી સરકારના નેતૃત્વ વાળી NDA સરકાર નિષ્ફળ ગઇ હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા UPA અને NDA સરકારના શાસનની તુલના કરવામાં આવી છે. ત્યારે મોદી સરકારને લઇ ચોકીદાર કે ભાગીદાર જેવા શબ્દનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના શાસનનો સચ્ચે દિન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોંઘવારી, મગફળીકાંડ અને રાફેલ ડીલ જેવા મુદ્દાઓ પર ભાજપ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.  નોટબંધી અને GST ને લઇ પણ પત્રિકામાં ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યુ છે.

૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ વખતે રાજયમાં લડી લેવાના મૂળમાં છે. વિધાનસભામાં સફળતા મળ્યા બાદ કોંગ્રેસ વધુ આક્રમક બની છે. રાજય કે કેન્દ્રની સરકારને ઘેરવાની એકપણ તક કોંગ્રેસ છોડતી નથી. કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરાયેલી પત્રિકામાં ચોકીદાર કે ભાગીદાર? કરીને ટાઇટલ આપવામાં આવ્યું છે. જેમાં મોંઘવારી, રાફેલ, બેરોજગારી, મગફળી કૌભાંડ, માલ્યા-મોદી, નોટબંધી જીએસટી, રાષ્ટ્રીય સુરક્ષા, અને બધાના ખાતામાં ૧૫-૧૫ લાખ સહિતના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફના પેજમાં સચ્ચે દિનની સાથે યૂપીએ સરકારના સમયમાં દેશની સ્થિતિ અને કાર્યની ચર્ચા કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસ સરકાર દરમિયાન મેળવેલી સિદ્ઘિઓનું વર્ણન છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ પત્રિકા બહાર પાડવામાં આવી છે. (૨૧.૮)

 

(10:35 am IST)