Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ક્લાર્ક પરીક્ષા : ગેરરીતિમાં હવે યુનિવર્સિટી કમિટિ દ્વારા તપાસ

યુનિવર્સિટીને સીલબંધ કવરમાં રિપોર્ટ સુપ્રત : યુનિવર્સિટી કમિટી ચકાસણી બાદ અમદાવાદ કોર્પોરેશનને રિપોર્ટ સોંપશે : તપાસ સુધી પરિણામો જાહેર કરાશે નહીં

અમદાવાદ, તા.૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઇકાલે યોજાયેલી લેખિત પરીક્ષા દરમ્યાન શહેરની મણિનગરની રાજા ભગત સ્કૂલમાં પરીક્ષા આપવા યુવતીને ચાલુ પરીક્ષામાં કાપલી આપવામાં આવી હોઇ ગંભીર ગેરરીતિને લઇ હોબાળો થયો હતો. જો કે, આ ચકચારભર્યા ગેરરીતિ પ્રકરણમાં હવે ગુજરાત યુનિવર્સિટીની કમિટી સમગ્ર મામલાની તપાસ કરશે અને તેનો વિગતવાર અહેવાલ અમ્યુકો સત્તાધીશોને સોંપશે. અમ્યુકોની જુનિયર કલાર્કની પરીક્ષામાં દરેક સેન્ટર પર ગુજરાત યુનિવર્સિટીના એક તકેદારી અધિકારી રાખવામાં આવ્યા હતા. કાપલી આપવાના વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના તકેદારી અધિકારીએ સીલબંધ કવરમાં તેમના કમિટીને રિપોર્ટ સોંપ્યો છે. આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. તેઓ આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરશે.

       સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ વિવાદને લઈ યુવતીનું પરિણામ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. ગેરરીતિ સામે આવશે તો ઉમેદવારને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મણિનગરની રાજા ભગત સ્કૂલના કેન્દ્ર પર પરીક્ષા સમયે સીસીટીવી ચાલુ રાખવા બાબતે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જો સ્કૂલમાં સીસીટીવી ચાલુ હોય તો રાખવા નહિ તો કોઈ નવી વ્યવસ્થા ઉભી કરવા જાણ કરવામાં આવી નહોતી. દરેક સરકારી ભરતીની લેખિત પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે સીસીટીવી ફરજીયાત રાખવામાં આવે છે. ત્યારે આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શા માટે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા માટેની સૂચના ન આપવામાં આવી તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશનના જ અધિકારીઓ, શાસક પક્ષના નેતાના ઓળખીતા પરીક્ષામાં ગેરરીતિ કરી શકે કે કેમ તે માટે સીસીટીવી બંધ રાખવામાં આવ્યા હતા તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. જો કે, હવે ગુજરાત યુનિવર્સિટીની તપાસ કમિટી મામલાની તપાસ હાથ ધરશે.

 

(8:09 pm IST)