Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર માટે વગોવાયેલી ચેક પોસ્ટ નાબુદીની દિશામાં

વાહનવાળા પાસે જાતે આકારણી કરી અગાઉથી જ ઓનલાઈન પૈસા ભરવાની સુવિધા અપાશે

રાજકોટ, તા. ૨ :. ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બહુ વગોવાયેલી ચેક પોસ્ટ પ્રથાને નાબુદ કરી સરકાર નાણા આકારણી અને વસુલાતની નવી પદ્ધતિ શરૂ કરવા વિચારી રહી છે. ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય થાય તેવી પ્રબળ સંભાવના છે. રાજ્યમાં હાલ ભીલાડ, શામળાજી જેવી ૧૭ ચેક પોસ્ટ છે. ત્યાંથી પસાર થતા ટ્રક જેવા મોટા વાહનોમાં ભરેલા માલની વજનની ચકાસણી કરી વેરો વસુલવામાં આવે છે. આ પદ્ધતિમાં ચેક પોસ્ટ પર લાંબી લાઈનો થવાની અને કેટલાય કિસ્સામાં ભ્રષ્ટાચાર થવાની ફરીયાદો આવી રહી છે. ચેક પોસ્ટ પર વાહનમાં રહેલા વજનનું પ્રમાણ, તેનુ કદ, વેરો વગેરે બાબતની ચકાસણી કરવામાં આવે છે. ક્ષમતાથી વધુ વજન વહન કરનાર વાહન માર્ગોને નુકશાન કરી શકે છે. સરકાર ચેક પોસ્ટ નાબુદ કરી તેના સ્થાને અગાઉથી જ માલ સાથે સંકળાયેલ સંસ્થા કે વ્યકિત માલના જથ્થા અને કદ અંગે જાતે જ મુલ્યાંકન કરી ઓનલાઈન વેરો ભરી દયે તેવી પદ્ધતિ દાખલ કરવા વિચારી રહી છે. ચેક પોસ્ટના વિકલ્પે સરકાર તપાસ માટે ફલાઈંગ સ્કવોડ બનાવશે. જે તે વાહનના પરિવહન બાબતે પક્ષકારે કબુલાત કરી હોય તેના કરતા વાહનમાં વધુ વજન નિકળે અથવા અન્ય કોઈ રીતે નિયમ ભંગ થયેલો જણાય તો મૂળ ભરવા પાત્ર રકમ કરતા અનેકગણો વધુ દંડ વસુલવાની જોગવાઈ કરવાનું સક્રિય રીતે વિચારાધીન હોવાનું સરકારના વર્તુળો જણાવે છે. કેટલાક રાજ્યોમાં ચેક પોસ્ટ પ્રથા નથી, ત્યાંની વ્યવસ્થાનો સરકાર દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે.

(3:16 pm IST)