Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

આજથી ગણેશ ઉત્સવની ધૂમ રહેશે : શ્રદ્ધાળુઓ ઉત્સાહિત

ઇકોફ્રેન્ડલી અને માટીની ગણેશ મૂર્તિઓનો ક્રેઝ : શહેર સહિત ગુજરાતભરના વિશાળ પંડાલ, શામિયાણામાં દાદાનું કાલે વિધિવત્ સ્થાપન : ભક્તિમય માહોલ રહેશે

અમદાવાદ,તા. ૧ :વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત,  રાજકોટ શહેર સહિત રાજયભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. આજે મોડી રાત સુધી ગણપતિ દાદાની અવનવી, આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદવા માટે ગણેશભકતોએ પડાપડી કરી હતી. આવતીકાલે સવારે શુભમૂર્હુતમાં વિધિવત્ રીતે શહેર સહિત રાજયભરમાં દાદાના ઉભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ, શામિયાણામાં જાતજાતની અને ભાતભાતની આકર્ષક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. દસ દિવસ ચાલતા ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીએ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ સદ્બુધ્ધી, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે ત્યારે ગણેશ મહોત્સવને લઇ શહેર સહિત રાજયભરના ગણેશભકતોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ચાલુ વર્ષે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પીઓપીની કે કેમીકલયુકત મૂર્તિઓના બદલે ઇકોફ્રેન્ડલી અને માટીની ગણેશમૂર્તિઓનો ક્રેઝ નોંધનીય રીતે વધ્યો હોવાથી તેના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છેે.

     ભાદ્રપદની શુકલપક્ષની ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા સેંકડોની સંખ્યામાં દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત્ રીતે સ્થાપન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં આ વખતે આશરે ચાર હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન થાય તેવો અંદાજ છે. દાદાના વિશાલ, ભવ્ય અને આકર્ષક પંડાળ-શામિયાણા તૈયાર કરી દેવાયા છે. પાછલા કેટલાક વર્ષોથી મુંબઇની જેમ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ ગણેશ મહોત્સવનો ક્રેઝ લોકોમાં ખાસ કરીને ગણેશભકતોમાં ખૂબ જ વધતો જાય છે. દાદા પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થા વધવાની સાથે સાથે શહેર સહિત રાજયભરમાં દાદાના પંડાલ અને ગણેશ સ્થાપનાની સંખ્યામાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે. શહેરના ગુલબાઇ ટેકરા, બાપુનગર, રાણીપ, લાલ દરવાજા-ભદ્ર સહિતના વિસ્તારોમાંથી ગણેશ ભકતોએ દાદાની અવનવી અને આકર્ષક મૂર્તિઓ ખરીદી હતી. ગણેશભકતો દ્વારા મોટી ટ્રકો, ટેમ્પા સહિતના વાહનોમાં વિધ્નહર્તા દેવની અવનવી, આકર્ષક અને મનમોહક મૂર્તિઓ પોતાના પંડાલમાં સ્થાપન માટે લાવવાની તૈયારીઓ મોડી રાત સુધી ચાલી હતી. હવે  આવતીકાલે સવારે દાદાની મૂર્તિઓનું વિધિવત્ રીતે પંડાલ- શામિયાણામાં સ્થાપન કરાશે. શહેરના ભદ્ર વસંતચોક વિસ્તારમાં ભદ્ર યુવક મંડળ દ્વારા નવી થીમ સાથે બિરાજેલા ગણપતિ દાદાનું આકર્ષણ ઉભુ કરાશે, તો  ગુરૂકુળ રોડ પર મુંબઇના દગડુ શેઠના સ્વરૂપમાં ગુરૂકુળના મહારાજા તરીકે દાદાને બિરાજમાન કરાશે.

    આ જ પ્રકારે નવા વાડજમાં ભીમજીપુરા ચાર રસ્તા પાસે, મેમનગરમાં તરૂણનગર પાસે, શાહપુર હલીમની ખડકી પાસે સદાશિવ મંદિર પાસે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, નારણપુરા, નવરંગપુરા, મણિનગર, પાલડી, વાસણા, વેજલપુર, જોધપુર, સરસપુર, નરોડા, કુબેરનગર, બાપુનગર, મેઘાણીનગર, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં દાદાના અવનવા અને આકર્ષક સ્વરૂપો સાથેની મૂર્તિઓનું સ્થાપન કરાશે. દસ દિવસ સુધી ગણપતિદાદાનું ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે પૂજન કરી દાદાનો મહોત્વસ રંગેચંગે મનાવાશે અને છેલ્લે અનંતચતુર્દશીના દિવસે દાદાની મૂર્તિઓનું ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લવકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજોના નારા સાથે વિસર્જન કરવામાં આવશે. રાત્રિના સમયે પણ શ્રધ્ધાળુ ભકતો અને નગરજનો દર્શન કરી શકે તે હેતુથી ઝળહળતી લાઇટો અને રંગબેરંગી રોશનીથી પંડાલ-શામિયાણાને સુશોભિત કરાયા છે. શહેર સહિત રાજયભરમાં ગણેશભકતોમાં દાદાની ભકિતનો માહોલ જોરદાર રીતે છવાયો છે. અમ્યુકો દ્વારા પણ આ વખતે શહેરમાં ૩૦થી વધુ કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે અને લોકોને તેમાં જ ગણેશમૂર્તિઓ વિસર્જિત કરવા તાકીદ કરાઇ છે. આ વર્ષે સાબરમતી નદીમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવા પર અમ્યુકો તંત્ર દ્વારા સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો છે.

(8:53 am IST)