Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સ્‍વીટી પટેલ હત્‍યા કેસમાં આરોપી પીઆઇ અજય દેસાઇ સામે પગલા ભરવા એસીબીના વડાને સ્‍વીટી પટેલના ભાઇ જયદિપ પટેલની ફરિયાદ

કારના રૂપિયા ક્‍યાંથી આવ્‍યાઃ મિલ્‍કતોની તપાસ કરવા રજૂઆત

વડોદરાઃ વડોદરાના સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી પીઆઈ અજય દેસાઈની મિલકતોની તપાસ કરવા માટે એસીબીના વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, જેનાથી અજય દેસાઈની મુશ્કેલી હજી વધી છે...સ્વીટી પટેલના ભાઈએ આરોપી અજય દેસાઈની મિલકતોની તપાસ કરવા માટે એસીબીમાં લેખિત ફરિયાદ કરી છે.

સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પીઆઈ અજય દેસાઈ અને તેનો મિત્ર કિરીટસિંહ જાડેજા જેલના સળિયા પાછળ છે. ત્યારે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે એન્ટી કરપ્શન બ્યુરોના (એસીબી)ના વડાને પીઆઈ અજય દેસાઈની મિલકતોની તપાસ કરવા લેખિતમાં ફરિયાદ કરી છે. જયદીપ પટેલે ફરિયાદમાં લખ્યું છે કે આરોપી અજય દેસાઈ મહિને લાખોનો વહીવટ કરતો હોવાની ચર્ચા છે. જેથી તેની મિલકતોની તપાસ કરવામાં આવે. સાથે આરોપીએ સ્વીટી પટેલને ગત વર્ષે મોંઘીદાટ જીપ કંપાસ કાર ગિફ્ટમાં આપી હતી તો આરોપી કાર ક્યાંથી લાવ્યો, કારના રૂપિયા ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થવી જોઈએ.

આરોપી અજય દેસાઈ ત્રણ ઘરની જવાબદારી સંભાળતો હતો, તેમ છતાં મોંઘીદાટ જીપ કંપાસ કાર ક્યાંથી લાવ્યાં તે સવાલ તેમને ઉઠાવ્યા છે...સાથે સ્વીટી પટેલ હત્યા કેસમાં સહ આરોપી કિરીટસિંહ જાડેજા સાથેના આરોપી અજય દેસાઈના આર્થિક વ્યવહારોની તપાસ કરવાની માંગ પણ કરી છે.

ઉલ્લેખનીય છેકે, સ્વીટી પટેલના ભાઈની ફરિયાદ બાદ હવે એસીબી અજય દેસાઈની મિલકતોની તપાસ કરી શકે છે...સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે કરજણ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કરજણ પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે. સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે કરજણ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તે જ્યારે જાણવાજોગ ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે ફરિયાદ તૈયાર હતી, માત્ર તેનું નામ અને સરનામું લખવાનું બાકી હતું, એટલે કરજણ પોલીસે આરોપી પીઆઈ અજય દેસાઈની ભેદી રીતે મદદગારી કરી છે.

(4:44 pm IST)