Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સરકારે કોઈ જ સ્પષ્ટતા ન કરતાં સ્કુલ-કોલેજના શિક્ષકો દુવિધામાં

અનલોક ૩ની ગાઈડલાઈન બહાર પાડવાની બાકી :શિક્ષણ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે, સ્કૂલો-કોલેજના શિક્ષકોએ ૩૧ જુલાઈ સુધી 'ઘરેથી કામ' કરવું જરુરી હતું

અમદાવાદ તા. ૨ : ગુજરાત સરકાર દ્વારા 'અનલોક ૩' માટે હજુ અલગથી ગાઈડલાઈન બહાર પાડવાની બાકી છે, જેના કારણે સ્કૂલો અને કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકો અને અન્ય સ્ટાફ મૂંઝવણમાં મૂકાયા છે. જેઓ મંગળવારથી રાજ્યના કોઈપણ આદેશ વગર મંગળવારથી કામમાં જોડાવાનાછે. રાજ્ય શિક્ષણ વિભાગની છેલ્લી ગાઈડલાઈન પ્રમાણે, સ્કૂલો અને કોલેજના શિક્ષકોએ ૩૧ જુલાઈ સુધી 'ઘરેથી કામ' કરવું જરુરી હતું.

કેન્દ્ર સરકારે અનલોક-૩ને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જે મુજબ 'ઘરેથી કામ' કરવાની ડેડલાઈન આગળ વધારીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. રાજ્ય સરકારથી નવા આદેશો ન મળ્યા હોવાથી, ગુજરાત યુનિવર્સિટી એજ્યુકેશનલ અસોસિએશને કેન્દ્રના નિર્દેશોની સાથે રાજ્યમાં પણ 'ઘરેથી કામ' કરવાની તારીખ ૩૧ ઓગસ્ટ સુધી વધારવાની માગ કરી હતી. અલગ-અલગ કોલેજોના પ્રિન્સિપાલના અસોસિએશને રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને કોલેજો ફરીથી ખોલવા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રોફેસરો હાલ ઓનલાઈન ભણાવી રહ્યા છે, જે કામ સરળતાથી થઈ રહ્યું છે અને નુકસાન પણ થઈ રહ્યું નથી. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તેથી સરકારે તાત્કાલિક સ્કૂલો અને કોલેજો ઓગસ્ટ મહિનાના અંત સુધી બંધ રહે તેવા આદેશો બહાર પાડવા જોઈએ, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

(10:27 pm IST)