Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બારીમાંથી હાથ નાખી મહિલાની સોનાની ચેઈન ખેંચી ફરાર

રાજસ્થાનથી મુંબઈ જતા દંપતીને કડવો અનુભવ : મુંબઈ ફરિયાદ આપ્યાનાં 38 દિવસ બાદ અમદાવાદ રેલ્વે પોલીસમાં ગુનો દાખલ

અમદાવાદઃ રાજસ્થાનથી મુંબઈ જવા સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલા દંપતીને અમદાવાદ રેલ્વે યાર્ડ પર તસ્કરનો કડવો અનુભવ થયો હતો. અમદાવાદ રેલ્વે યાર્ડમાં પરોઢે ટ્રેન બે મિનિટ માટે ઉભી રહીને તસ્કર ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો. મહિલા બારી પાસે નિંદ્રા માની રહી હતી. તે સમયે અંધારાનો લાભ લઇ પ્લેટફોર્મ પર રહેલા તસ્કરે બારીમાંથી હાથ નાંખી મહિલાના ગળામાંથી ચેઈન તોડીને અલોપ થઈ ગયો હતો. દંપતીએ મુંબઈ પહોંચી ફરિયાદ આપ્યાનાં 38 દિવસ બાદ અમદાવાદ રેલ્વે પોલીસમાં ગુનો દાખલ થયો હતો.

મુંબઈમાં કોસ્મેટિક આઈટમનો વેપાર કરતાં લક્ષ્મણસિંહ રાજપુરોહિત ગત તારીખ 24 જૂનના રોજ રાત્રે રાજસ્થાન રાણી રેલ્વે સ્ટેશનથી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ આવવા માટે રાત્રે 9.30 વાગ્યે બેઠા હતા. દંપતી સૂર્યનગરી એક્સપ્રેસ એસ 10 કોચમાં સીટ નંબર 4 પર બેઠું હતું. પરોઢે ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશન પહોંચી ત્યારે લક્ષ્મણસિંહ ઉપરની સીટમાં જ્યારે પ્રવીણા બારી પાસે સૂતી હતી. ગાઢ નિદ્રામાં રહેલા પતિ પત્નીને ટ્રેન ઉભી હોવાનો ખ્યાલ નહોતો.

પરોઢે 3.40 વાગ્યે પ્રવીણાના ગળામાં કોઈએ હાથ નાખી સોનાની ચેઈન તોડી હતી.જેથી પ્રવિનાએ જોયું તો બારીમાંથી હાથ બહાર કાઢી ચેઇન તોડનાર શખ્સ અંધારામાં અલોપ થઈ ગયો હતો. પ્રવિનાએ બુમાબુમ કરી પણ રેલ્વે યાર્ડ પર રોકાયેલી ટ્રેન ઉપડવાનો સમય થયો હતો.

આખરે દંપતિએ મુંબઈ પહોંચી રેલ્વે સ્ટેશન પોલીસને ચેઇન તૂટ્યાની ફરિયાદ આપી હતી. પ્રવીણાના પતિ લક્ષ્મણસિંહએ જણાવ્યું કે, રૂ.40 હજારની ચેઇન તૂટવાની ઘટનાની ફરિયાદ અમદાવાદ પહોંચતા 38 દિવસ લાગ્યા છે. પોલીસ ચોરને ક્યારે પકડશે એ સવાલ થાય છે.

(8:07 pm IST)