Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોનાને રોકવા હવે અંતે મ્યુનિ. કોર્પોરેશન : સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા માસ્ક વિતરણ

કોર્પોરેશને રસ્તા પર સૂતેલાઓને કર્યું માસ્ક વિતરણ: કેટલાને આપ્યા ? અધિકારીઓને આંકડાની ખબર નથી

અમદાવાદ : કોરોનાને ચાર મહિનાનો સમય વીતી ચુક્યો છે અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થઇ રહયો છે,ત્યારે હવે ઊંઘમાંથી સફાળી જાગી ઉઠી હોય તેમ કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા માસ્ક વિતરણ કરાયું છે, રેનબસેરા તથા રસ્તા પર રહેતાં લોકોને માસ્ક વિતરણનું કાર્ય ચાલુ કર્યું હોવાના ફોટાં જાહેર કર્યા હતાં. માસ્ક કેટલાં લોકોને આપ્યાં તેના કોઇ આંકડા પણ અધિકારી આપી શક્યા ન હતાં.

દેશના વડાપ્રધાન મોદીએ માર્ચ મહિનામાં કોવિડ 19ને લઇને લોકડાઉન જાહેર કર્યું હતું અને જૂન મહિનામાં અનલોક 1 જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતમાં દરરોજનાં 1 હજારથી વધુ તથા અમદાવાદમાં 100થી વધુ કેસો નોંધાતા જાય છે. ત્યારે કોરોનાના વાયરસને રોકવા માટે આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તરફથી 2જી ઓગસ્ટથી શહેરમાં આવેલા રેનબસેરા તથા રસ્તા પરના ભિક્ષુકોમાં મોટા પ્રમાણમાં કોટનના માસ્કનું વિતરણ શરૂ કર્યું હતું.

આ અંગે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે, “કોર્પોરેશન પાસે લાખ્ખોની સંખ્યામાં માસ્ક છે. શહેરમાં આવેલા તમામ રેનબસેરા તથા રસ્તા પર બેસતાં ભિક્ષુકને માસ્ક આપવાનું ચાલુ કર્યું છે. પરંતુ કેટલી સંખ્યામાં કયા-કયા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ કયાં સુધી વિતરણ ચાલુ રહેશે તે અંગે તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.”

(7:55 pm IST)