Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસમાં નિમંત્રિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ વતી ભાગ લેશે અગ્રણી સંતો...

રક્ષાબંધન પર્વે મહંત સ્વામી મહારાજ કરશે વેદોક્ત પૂજન-પ્રાર્થના

અમદાવાદ, 2 ઓગષ્ટ : અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય શ્રી રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમજ ભારતના મહાન સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે, તેની ખુશાલી કરોડો હિન્દુઓમાં ફરી વળી છે. શિલાન્યાસ વિધિના આ ગૌરવવંતા ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ સંતો-મહંતોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. એ પૈકી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ સાદર નિમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓશ્રી વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજ્ય  અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા જશે. 

ઉલ્લેખનીય છે કે આજથી 30 વર્ષ પહેલાં, શ્રી રામ જન્મભૂમિના આ મંદિરના નિર્માણ માટે  શ્રીરામશિલાના  પૂજનનું રાષ્ટ્રીય આંદોલન આરંભાયું ત્યારે તા. 16 ઓગષ્ટના રોજ, ગુજરાતમાં પ્રથમ રામશિલાનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરીને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. દાયકાઓ સુધી શ્રી રામ જન્મભૂમિ માટે આસ્થાપૂર્વક પ્રાર્થના કરી રહેલા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, રામમંદિરના નિર્માણની પ્રથમ રામશિલાનું પૂજન કર્યું એ દિવસ સન ૧૯૮૯ના રક્ષાબંધનનો દિવસ હતો. યોગાનુયોગ આ જ પવિત્ર રક્ષાબંધન પર્વે, તા. ૩ ઓગષ્ટના રોજ, તેમના અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ, શ્રીરામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર  શ્રી રામયંત્રનું પૂજન કરીને તે સંતો દ્વારા અયોધ્યા મોકલાવશે અને શિલાન્યાસમાં પોતાની શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પશે.

આ પ્રસંગે નેનપુર ખાતે બિરાજતા પૂજ્ય મહંત સ્વામી મહારાજ જણાવ્યું  છે કે “કરોડો ભક્તો અને સંતો-મહાત્માઓની અનેક વર્ષોની શ્રદ્ધા, તપસ્યા, બલિદાનની  ફલશ્રુતિ રૂપે ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો આરંભ થઈ રહ્યો છે, તેનો અપાર આનંદ છે. આવનારી અનેક પેઢીઓ આ મંદિરમાંથી સનાતનધર્મ, સંસ્કૃતિ, સંસ્કારો, અધ્યાત્મ વગેરેની પવિત્ર પ્રેરણાઓ મેળવશે. અનેક પેઢીઓ ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય જીવનમાંથી માનવતાના સર્વોત્તમ મૂલ્યો અને આદર્શો શીખશે. આ મંદિર હિન્દુ ધર્મની અસ્મિતાનું એક ગૌરવ શિખર બની રહેશે. વહેલાંમાં વહેલી તકે આ મંદિરનું નિર્માણ કાર્ય સૌની એકતાથી નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય અને ભગવાન શ્રી રામલલા તેમાં ધામધૂમપૂર્વક વિરાજમાન થઈ જાય, અને વર્તમાન સમયની આપત્તિઓનું પણ વહેલી તકે નિવારણ થાય, તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું અને આપ સૌને એવી પ્રાર્થના કરવા હાર્દિક વિનંતી કરું છું. ”

અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ અયોધ્યાની નજીક આવેલા છપૈયા ગામે  રામનવમીના પવિત્ર દિવસે થયો હતો. પોતાના બાલ્યકાળના છ વર્ષો તેઓએ અયોધ્યામાં વિતાવ્યા હતા. તીર્થનગરી અયોધ્યાના પ્રત્યેક મંદિરમાં નિત્ય  દર્શન અને  કથાનો સતત લાભ લેનાર બાળવયના તેઓએ વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ પણ અહીં જ કર્યો હતો. અહીંથી જ  ૧૧ વર્ષની ઉંમરે તેઓએ અખિલ ભારતની તીર્થ યાત્રાનો આરંભ કર્યો હતો, જેમાં તેમણે ખુલ્લા પગે માનસરોવર અને ચારધામથી લઈ દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી તીર્થોની યાત્રા કરી હતી. એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ તેમના પંચમ અનુગામી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અયોધ્યા સાથે જોડાયેલી અનેક પવિત્ર સ્મૃતિઓ સાથે, પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પ્રતિનિધિ સંતો આ શિલાન્યાસ વિધિમાં પોતાનું અર્ઘ્ય અર્પણ કરશે.

(2:53 pm IST)