Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ધંધુકા રોડ ઉપર ટ્રકમાં રહેલા સિલિન્ડરમાં એકાએક બ્લાસ્ટ

ઝેરી ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા અફરાતફરી : ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ : ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલી એક ટ્રક વડોદરા તરફ જઇ રહી હતી

અમદાવાદ, તા. ૨ : ધંધુકા-ફેદરા રોડ પર હરિપુરા પાટિયા નજીક એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં એકાએક ગેસ વેલ્ડીંગનાં બાટલા લઇ જતી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે ધડાધડ સિલિન્ડર ફાટવા લાગ્યા હતાં. જેને કારણે વિકરાળ આગની જ્વાળાઓ ફાટી નીકળતા આકાશમાં ધુમાડાનાં ગોટેગોટાં છવાઇ ગયા હતાં. બાદમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલી એક ટ્રક વડોદરા તરફ જઇ રહી હતી. એવામાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જેથી બ્લાસ્ટ થતાની સાથે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. ઉપરાંત બ્લાસ્ટ સમયે ત્યાંથી પસાર થતી કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજા પણ પહોંચી હતી.

              જો કે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ અચાનક ઘટનાસ્થળે આવી જતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિનાં સમાચાર સામે આવ્યાં નથી. ધંધુકા-ફેદરા રોડ પર બ્લાસ્ટ થયાની ઘટનાની જાણ થતા જ ધંધુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તેમજ ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે આવી ગઇ હતી. જેઓએ સમયસર આગને કાબૂમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આસપાસનાં વાહનોને મોટા પાયે નુકશાન થવાની ભીતિ છે. ટ્રકમાં રહેલો ટોક્સિક ક્લોરાઇન એ ઝેરી ગેસ છે. જેના કારણે આંખ અને નાકમાં બળતરા થાય છે. આ ઉપરાંત જેને તેની અસર થાય તેણે ભીનું કપડું રાખવું જરૂરી છે. આ ગેસનો ઉપયોગ ફેક્ટરીમાં ગંદુ પાણી સાફ કરવા માટે થતો હોય છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં વધારે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ બ્લાસ્ટ આખરે કયા કારણોસર થયો તે અંગે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

બાજુમાંથી પસાર થતી કારના ચાર લોકો ઘાયલ

નવીદિલ્હી, તા. ૧૯ : ધંધુકા-ફેદરા રોડ હરીપુરા પાટીયા પાસે ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે બાજુમાંથી પસાર થતી કારમાં સવાર ૪ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાની ઇસ્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ટ્રકમાં બ્લાસ્ટ થતા ચારે બાજુ ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ પણ વીડિયો ઉતારવા લાગ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયું હતું. ટ્રકમાં બ્લાસ્ટ થયો તે સમયે જ ત્યાંથી એસટી બસ સહિત અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. જોકે તેઓને કોઈપણ નુકસાન પહોંચ્યું નથી. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા ૪ વ્યક્તિઓમાં તેજશભાઈ રમેશચંદ્ર મોદી (ઉ.૪૯), ફાલ્ગુનીબેન તેજશભાઈ (ઉ.૪૬), ઝિક્નલબેન તેજશભાઈ (ઉ. ૨૫) કિન્તુલભાઈ તેજશભાઈ (ઉ. ૨૧) છે.

(10:28 pm IST)