Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોના સંકટને નજર સમક્ષ રાખી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ નવી ગાઇડલાઇન જાહેર કરી

અમદાવાદ-સુરત-વડોદરા માટે નવા ગાઇડન્સનો અમલ કરવો પડશે

અમદાવાદ,: રાજ્યમાં કોરોના વાયરસનો કહેરને લઇને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી ગાઇડલાઇન્સ જાહેર થઈ છે. જેમાં ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટથી ગુજરાત આવતા મુસાફરો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જેના અનુસાર વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓએ હવે 7 દિવસ ઇન્સ્ટિટયુશ્નલ જ્યારે 7 દિવસ હોમ એમ કુલ 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બીજી તરફ કોરોનાના લક્ષણ ના હોય તે ડોમેસ્ટિક મુસાફરને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે પણ 14 દિવસ જાતે જ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવી પડશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ત્રણ એરપોર્ટ અમદાવાદ-વડોદરા-સુરત માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. જેના અનુસાર આ ત્રણેય એરપોર્ટમાં આવતા મુસાફરોને સૌપ્રથમ થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. ડોમેસ્ટિક પ્રવાસી એસિમ્પટોમેટિક હશે તો તેને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે. પરંતુ તેમને 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સ્વનીરિક્ષણ કરવાની સલાહ અપાશે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 7 દિવસ ઇન્સ્ટિટયુશ્નલ- 7 દિવસ હોમ ક્વોેરેન્ટાઇન એમ કુલ 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જોકે, કોઇ મુસાફર સુરત આવશે તો તેના માટે 'નોવલ કોરોના સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ' ભરવા ઉપરાંત 'એસએમસી કોવિડ-19 ટ્રેકર' એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે. 'એસએમસી કોવિડ-19 ટ્રેકર' દ્વારા મુસાફરનું લોકેશનથી વાકેફ રહી શકાશે.

નવી ગાઇડલાઇન્સ પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે ઇન્સ્ટિટયુશ્નલ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. અગાઉ વિદેશથી આવતા મુસાફરોને સરકારી ખર્ચે કે સ્વખર્ચે એમ બે વિકલ્પ આપવામાં આવતા હતા. આ પછી તેમને 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બિમારી હોય, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને આ ક્વોરેન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવેલી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પ્રત્યેક રાજ્ય પ્રમાણે અલગ-અલગ ગાઇડલાઇન્સ છે. મહારાષ્ટ્રમાં આવતા ડોમેસ્ટિક મુસાફરો માટે 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું ફરજીયાત છે. પરંતુ કોઇ મુસાફર 7 દિવસમાં જ મુંબઇથી પરત ફરવા માગતો હોય તો તેને હોમ ક્વોરેન્ટાઇન રહેવામાંથી મુક્તિ અપાઇ છે. પરંતુ જેની સામે તેને પોતાની કન્ફર્મ રીટર્ન ટિકિટ પણ નોડલ ઓફિસરને દર્શાવવી પડશે.

(1:30 pm IST)