Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પાટનગર ગાંધીનગરને જન્મદિનની શુભેચ્છા પાઠવતી શોર્ટ ફિલ્મ 'સાબરમતીનાં તીરે તીરે...'

શહેરના ભૂતકાળથી લઈ વર્તમાનની વાતને સુંદર રીતે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં વણી લેવાઈ

ગાંધીનગર એટલે વર્તમાન ગુજરાતનું પાટનગર. ગાંધીનગર શહેર તેની સ્થાપનાનાં ૫૨ મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગાંધીનગરનાં જ યુવામિત્રોએ પાટનગરને જન્મદિનની શુભકામના પાઠવતી શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. સાબરમતીનાં તીરે તીરે ... નામથી બનેલી આ શોર્ટ ફિલ્મમાં ગાંધીનગર શહેરના ભૂતકાળથી લઈ વર્તમાનની વાતને સુંદર રીતે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં વણી લેવામાં આવી છે.

આ શોર્ટ ફિલ્મનો જેમને વિચાર આવ્યો તેવા યુવા કવિ શ્રી અંકુર શ્રીમાળી આ અંગે જણાવે છે કે, ગાંધીનગર શહેરની સ્થાપનાથી લઈને અત્યાર સુધી તે ઘણા બધાનાં પડાવોમાંથી પસાર થઈ ચૂક્યું છે. નાનકડા શહેરથી લઈને આજે મહાનગરપાલિકા બની ગયું છે. તેમજ આવનારા સમયમાં તે મેગાસિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગરાઓને શહેરનાં જન્મદિવસની શુભકામના પાઠવવાનો નવતર વિચાર આવ્યો. આ શોર્ટ ફિલ્મમાં સાબરમતીનાં કિનારે વસેલા 'કેપીટલ સિટી' થી લઈ 'ગીફ્ટ સિટી' અને મહાત્મા મંદિર જેવી વૈશ્વિક ઓળખ બનવા સુધીની વાત વણી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 1960માં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારબાદ રાજ્યને નવા પાટનગરની જરૂરીયાત જણાઈ. ત્યારે તે સમયનાં સત્તાધીશોએ અમદાવાદથી ઉત્તર દિશામાં નવું પાટનગર વિકસાવવાનો વિચાર કર્યો અને એક સુવ્યવસ્થિત શહેર ગાંધીનગરની રચના થઈ. આજે ગાંધીનગર રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર તો છે. તેની સાથે સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિથીઓથી ધમધમી રહ્યું છે. અને, આવનારા સમયમાં ગીફ્ટ સિટીનાં કારણે હાઈટેક સિટી બનશે તેવો વિશ્વાસ છે.

આ શોર્ટ ફિલ્મ બનાવવામાં અંકુર શ્રીમાળી ઉપરાંત, પરેશ પ્રજાપતિ, હિરેન પંડ્યા, શેખર ગદાણી તેમજ જયેશ પંચોલીએ પણ સહકાર આપ્યો હતો. આ શોર્ટ ફિલ્મ યુ ટ્યુબ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.

(10:09 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • રાજકોટમાં દૂધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડાની હત્યાનો મામલે પ્ર.નગર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ: ગણતરીની મિનિટોમાં પ્ર નગર પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી access_time 11:52 pm IST