Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અમદાવાદના પોલીસ કમિશ્નરપદે સંજય શ્રીવાસ્તવ : નવા આઈ.બી. વડા અનુપમસિંહ ગેહલોત અને વડોદરાના પોલીસ કમિશ્નરપદે અજય તોમર

ઉચ્ચ કક્ષાએ લેવાયેલ મહત્વના નિર્ણયોની ગમે ત્યારે સત્તાવાર જાહેરાત

રાજકોટ, તા. ૧ : રાજયના મુખ્ય પોલીસ વડા તરીકે શ્રી આશીષ ભાટીયાની પસંદગી થતા અમદાવાદ પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા ઉપર કોઈ નિમણુંક ન થવાના કારણે અનેકવિધ અનુમાનો અને અટકળો વચ્ચે આ સ્થાન ઉપર રાજયના સીઆઈડી વડા શ્રી સંજય શ્રીવાસ્તવને પસંદગી કરવાનું રાજય સરકારે ફાઈનલ કરી લીધુ છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરપદના અન્ય દાવેદાર અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમરને વડોદરાના પોલીસ કમિશ્નરપદે નિમવાનો પણ નિર્ણય ઉચ્ચકક્ષાએ લેવાયો છે.

વડોદરાના હાલના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતની ગુજરાતના નવા ગુપ્ત ચરવડા (આઈ.બી.) બનાવવાનો નિર્ણય પણ લેવાયાનું ટોચના સૂત્રોએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

આઈ.બી. વડાનું સ્થાન જે રાજકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું હોય છે કે અને આ સ્થાન ઉપર રાજય સરકારના ખૂબ જ વિશ્વાસુ અને કાર્યદક્ષ અધિકારીની પસંદગી કરવાનું વલણ શ્રી અમિતભાઈ શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા તે સમયથી શરૂ થયુ છે.

વડોદરાના પોલીસ કમિશ્નર અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ખૂબ જ વિશ્વાસપાત્ર અધિકારીમાં સ્થાન ધરાવતા હોવા ઉપરાંત ભૂતકાળમાં તેઓએ ૨૦૧૨ની સાલમાં આઈ.બી.માં ખૂબ જ યશસ્વી ફરજ ફીલ્ડ કામગીરી જેવા જ ઉત્સાહથી કરી હોવાથી રાજય સરકાર તેના પર પસંદગી ઉતાર્યાનું માનવામાં આવી રહ્યુ છે. આ અંગેના સત્તાવાર હુકમો તુર્તમાં થશે તેવુ પણ માનવામાં આવી રહ્યુ છે.

(3:57 pm IST)