Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

નડાબેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તડામાર તૈયારીઓ : મંત્રી જવાહર ચાવડાએ મુલાકાત લીધી : શ્રમિકોની સ્થિતિની કરી અવગણના

પાકા મકાન નહિ ટેન્ટમાં રહેતા શ્રમિકો માટે પાકા શૌચાલય પણ નથી :

બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રવાસન ધામ વિકસાવવા કરોડોના ખર્ચે વિવિધ કામો ચાલી રહ્યા છે. જેનું નિરિક્ષણ કરવા પ્રવાસન મંત્રી જવાહર ચાવડા આવ્યા હતા ત્યારે  ચોમાસાની સ્થિતિ વચ્ચે કામ કરતા મજુરોની સ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કર્યાનું અને બાંધકામમાં શ્રમ કરતા મજુરોને રહેવા પાકા બાંધકામનો અભાવ અને પાકા શૌચાલય પણ નથી.ત્યારે આ સ્થિતિમાં મંત્રીએ મુલાકાત દરમ્યાન મજુરોની સ્થિતિ જોવાની અવગણના કરી છે.

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં નડાબેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તડામાર તૈયારીઓ ચાલુ છે. જેમાં સરેરાશ પ૦ કરોડથી વધુના ખર્ચે બાંધકામ થઇ રહ્યું હોઇ મંત્રી જવાહર ચાવડા શુક્રવારે બનાસકાંઠા પહોંચ્યા હતા. જેમાં પ્રવાસન વિભાગ સાથે સ્થાનિક અધિકારીઓની ટીમ દ્વારા માહિતિ મેળવી સુચનો આપ-લે કર્યા હતા. આ દરમ્યાન મંત્રી મોટાભાગે હસતાં ચહેરામાં જોવા મળતા મુલાકાતનો હેતુ અને તેની ગંભીરતા સામે આશંકા બની છે.

નડાબેટમાં ચાલતા બાંધકામ કામોમાં શ્રમિકોને અનેક બાબતોની ક્ષતિ બની રહી છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે મજુરોને રહેવા પાકુ રહેણાંક નથી. શ્રમિકો માટે કોન્ટ્રાકટર દ્વારા માત્ર ટેન્ટ ઉભા કરી દેવાયા હોઇ સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. શ્રમિકોને માટે પાકા શૌચાલય પણ ન હોવાથી સ્વચ્છતા અને આરોગ્યની પરિસ્થિતિ સામે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ આંખ આડા કાન કર્યા હોવાની ચર્ચા વધી છે.

(8:17 pm IST)