Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મૂળ રાજકોટના વતની રોયલ્ટી ઇન્સ્પેકટર કોરાટ સહિત ૬ સામે ગુન્હા દાખલઃ સરકારી તિજોરીને કરોડોનું નુકશાન

સાઉથ ગુજરાતના ચકચારી 'રેત-ખનન' પ્રકરણની એસીબી દ્વારા થયેલી તપાસમાં ધગધગતા તારણો બહાર આવ્યા :બનાવની ગંભીરતા ધ્યાને લઇ કેશવકુમારે નવસારીના પીઆઇ સી.એમ.જાડેજાને તપાસ સુપ્રત કરી

રાજકોટ, તા., રઃ ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમારે પ્રથમ સરપ્રાઇઝ ચેકીંગ કરાવ્યા બાદ સાઉથ ગુજરાતમાં રેત-ખનન મામલાની તપાસ સુરતના ઇન્ચાર્જ એસીબી નિયામકને સુપ્રત  કરેલી જે ખુલી તપાસના ધગધગતા તારણો બાદ તાપીના જે તે સમયના રોયલ્ટી ઇન્સ્પેકટર અને મૂળ રહેવાસી રાજકોટના ભાવેશભાઇ  કોરાટ સહિત ૬ શખ્સો સામે ગુન્હા દાખલ કરી આગળની તપાસ નવસારીના અનુભવી એસીબી પીઆઇ સી.એમ.જાડેજાને સુપ્રત કર્યાનું ટોચના સુત્રો જણાવે છે.

એસીબી વડા દ્વારા લાંચીયાઓ સામે જંગ ચલાવવાની સાથોસાથ પ્રમાણસર મિલ્કતો શોધવી, મોટા મગરમચ્છોને જામીન ન મળે તેવી કાયદાકીય લડાઇ આપવાની સાથોસાથ ગેરકાયદે રેત ખનન પધ્ધતી દ્વારા સરકારી તિજોરીને થતા નુકશાન અટકાવવા થયેલી કાર્યવાહી સંદર્ભે ગત તા. ૧૩ જુનના તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ઘાસીયા મેઢા ગામે તાપી નદીના પટમાં ચાલતી રેત ખનન પ્રવૃતિનું સરપ્રાઇઝ ચેકીંગ કરાવેલ અને ત્યાર બાદ સુરતના એસીબી એકમના ઇન્ચાર્જ આસી.ડાયરેકટર એન.પી.ગોહીલને તપાસ સુપ્રત કરેલ.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ખુબ જ વિસ્તૃત મુદ્વાઓને સમાવેશ કરી બારીકાઇથી થયેલી તપાસમાં રેતીની રોયલ્ટી ચોરીના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકશાન થયાનું બહાર આવવા પામ્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેતી ખનન મામલાની જાણ હોવા છતાં દર માસે કલેકટરના અધ્યક્ષસ્થાને મળતી બેઠકમાં પણ આ બાબત ઇરાદાપુર્વક છુપાવવામાં આવેલી.

ઉકત મામલે સરપંચ દ્વારા તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેકટર આરોપી ભાવેશભાઇ કોરાટને ફરીયાદ કરી રોયલ્ટી ચોરી અટકાવવા ભારપુર્વક રજુઆત કરેલ. આ મામલે દુર્લક્ષ સેવામાં આવતા પંચાયતની સભામાં આ મામલે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.

નવાઇ પમાડે તેવી બાબત તપાસ દરમિયાન એવી બહાર આવી કે તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેકટર કોરાટે વિઝીટ કરી ત્યારે તાપી નદીના પટ પર ગેરકાયદે રેત ખનનમાં વપરાતા લોખંડના પાઇપો, નદીમાંથી નિકળતા રેતીના ચટ્ટાઓ વિ. મુદ્દામાલ મળવા છતાં આરોપી રોયલ્ટી ઇન્સ્પેકટરે કોઇ કાર્યવાહી કરવાના બદલે મૌન સેવવાનું પસંદ કરેલ અને આ બાબતે ઉપરી અધિકારીઓને રીપોર્ટ કરવાનું પણ મુનાસીબ માન્યુ નહોતું.

ખુલ્લી તપાસ દરમિયાન આ બાબતે પણ ફરીયાદો મળી હતી. તપાસનીશ એસીબી મદદનીશ નિયામકે તપાસના કામે હિસાબના ઓરીજનલ ચોપડાઓ અન્ય દસ્તાવેજો, લોગબુક અને ડ્રાઇવરોના નિવેદનો લીધેલ. જે તમામ તારણો આધારે બિનઅધિકૃત રેત-ખનન થયાનું પુરવાર થતા ગુન્હા દાખલ કરવાનો એસીબી વડાએ નિર્ણય કરેલ.

સર્વાગી તપાસના રીપોર્ટ અને અભિપ્રાય આધારે એસીબીએ ૬ આરોપીઓ સામે ગુન્હા દાખલ કર્યા છે. જેમાં ભાવેશભાઇ કોરાટ, તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેકટર ભુસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ તાપી (મૂળ રહે. રાજકોટ)એ મનુભાઇ ગોમાભાઇ , અર્જુનભાઇ ચીમનભાઇ, બીપીનભાઇ ગામીત, કણજાના લીઝ ધારક રમેશભાઇ પટેલ અને ભગવાનભાઇ વલ્લભાઇ ખૈની (સુરત) વિ.નો સમાવેશ છે.

(4:35 pm IST)