Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

આરટીઓની ૮૦ ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ આપવા નિર્ણય

આરટીઓ એટલે ધરમધક્કાનું સ્થળ : ભારતમાં સૌપ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરુઆત ગુજરાતમાં કરવામાં આવી છે

ગાંધીનગર , તા.૨ ઃ આરટીઓમાં કોઈ કામકાજથી થવાનું થાય તો ક્યારેક ધરમધક્કા ખાવાનો વારો આવતો હોય છે. આખરે નાછૂટકે કેટલાંક લોકો એજન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ હવે આરટીઓના આવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. લોકોએ ધક્કા ન ખાવા પડે અને અન્ય લોકો પર આધારિત ન રહેવું પડે એટલા માટે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કચેરી દ્વારા રાજ્યની ૮૦ ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ પૂરી પાડવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ૮૦ ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પાડવાના નિર્ણય બાદ આરટીઓ કચેરી (ગુજરાત આરટીઓ) આવનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થશે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, ભારતમાં સૌપ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરુઆત ગુજરાતમાં કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ૭ જેટલી સેવાઓ ઘરેબેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે ૮૦ ટકા સેવાઓ ઓનલાઈન થઈ જતા લોકોને ધરમ ધક્કામાંથી મુક્તિ મળશે.

વાહન વ્યવહાર કચેરી દ્વારા લેવાયેલા નિર્ણયથી હવે લોકોને ધસારો આરટીઓ કચેરીએ ઘટશે. સાથે જ લોકોને ધક્કામાંથી પણ મુક્તિ મળશે. આ અંગે વાહન વ્યવહાર કમિશનરે જણાવ્યું કે, રાજ્યમાં લાઈસન્સ સંબંધિત વધુ ૧૨ સેવાઓ અને વાહન સંબંધિત ૮ સેવાઓ આધાર ઈ કેવાયસી દ્વારા ફેસલેસ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા આધાર નંબર દ્વારા તેઓ ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી શકશે. બાદમાં આ અરજી સબમીટ થયા બાદ અરજદાર આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી સીધી સેવા મેળવી શકશે.

સાથે જ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો માટે ઓનલાઈન ટેક્સ અને ડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. જેનાથી ટ્રાન્સપોર્ટ સેક્ટરને પણ સરળતા થશે. સાથે જ કોઈ પણ જાતની અડચણ વગર વાહનો આંતરરાજ્ય બોર્ડર પરથી પસાર થઈ શકશે. આ સિવાય મહત્વની વાત એ છે કે, દેશમાં સૌપ્રથમવાર ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા પણ ગુજરાતમાં શરુ કરવામાં આવી છે. મહત્વનું છે કે, વાહન વ્યવહાર કચેરી દ્વારા ૨૦૧૭થી જ સોફ્ટવેર વાહન ૪.૦ અને સારથી ૪.૦ની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી કોઈ પણ અરજદાર ઘરે બેઠા ઓનલાઈન ફી ભરી શકે છે અને દસ્તાવેજો પણ અપલોડ કરી શકે છે. વાહન ૪.૦ પોર્ટલ દ્વારા અરજદારો ઈ એનઓસી, ઈ પેમેન્ટ, ઈ ઓક્શન અને ઈ ડેટા દ્વારા વાહનોની નોંધણી નંબર ફી, એપ્રુવલ અરજીનું ઓનલાઈન સ્ટેટસ વગેરે એસએમએસ દ્વારા જાણી શકે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે સારથી ૪.૦ની મદદથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવમાં આવી છે.

(8:30 pm IST)