Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મહેસાણા શહેરના માનવ આશ્રમ રોડ નજીક રખડતી 14 ગાયોને પાલિકાની ટીમ દ્વારા પકડવામાં આવી

મહેસાણા:શહેરના પીલાજી ગંજ, ટી.બી.રોડ અને માનવ આશ્રમ રોડ વિસ્તારમાં રસ્તે રખડતી ૧૪ ગાયોને પાલિકા દ્વારા પકડી લેવામાં આવી હતી. જેને સેનેટરી શાખાના અધિકારી મારફતે પાંજરાપોળમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાઓ પર રખડતી ગાયોને પકડવામાં પાલિકા આરંભે શુરાની જેમ પાંચ-પંદર પશુ પકડીને પાંજરા પોળ મોકલી આપ્યા બાદ કોઈકને હડફેટે લઈ હાડકાં ભાંગી નાંખે પછી ફરીથી નગરપાલિકાની નિયત એજન્સી ઢોર પકડવા નીકળી પડે છે. ગઈરાત્રિના સુમારે શહેરના માનવ આશ્રમ રોડ, ટી.બી.હોસ્પિટલ રોડ અને પીલાજી ગંજ વિસ્તારમાંથી ૧૪ જેટલી ગાયોને પાલિકાની નિયત એજન્સી દ્વારા પકડી લઈએ ઢોર ડબામાં પુરવામાં આવી હતી. આ તમામ ગાયોને પાંજરા પોળમાં મોકલી આપવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ. વર્તુળોના જણાવ્યા મુજબ મહેસાણામાં પાલિકા દ્વારા પકડવામાં આવતી રઝળતી ગાયોને સ્વીકારવા માટે કોઈ પાંજરાપોળ તૈયાર થતી નથી. તેના લીધે પાલિકા દ્વારા ઢોર પકડવામાં આંખ આડા કાન ધરવામાં આવતાં હોય છે. શાયદ કોઈ રાહદારી કે વાહનચાલકને ગાય ઢીંકે ચડાવી પછાડી દઈ ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના સર્જાયા પછી પાલિકાના એજન્સીના માણસો ઢોર પકડવા નીકળી પડી કામગીરી કર્યાના થાબડભાણાં કરતાં હોવાનો બળાપો લોકો ઠાલવતાં હતા.

(5:51 pm IST)