Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કસુંબાડ-નાપાડ રોડ નજીક કાકા-ભત્રીજાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 88 હજારની મતાની તસ્કરી કરતા ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી

કસુંબાડ:કસુંબાડ-નાપાડ રોડ ઉપર આવેલા ટેકરાવાળા ફળિયામાં ગત ૨૯મી તારીખના રોજ ત્રાટકેલા તસ્કરોએ કાકા-ભત્રીજાના મકાનોને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના, રોકડ મળીને કુલ ૮૮૯૫૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે બોરસદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી કનુભાઈ દોલતસિંહ ચૌહાણ ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે જમીને ટ્રેક્ટરમાં લાકડા ભરીને નડીઆદ વેચવા માટે ગયા હતા. પત્ની તેમજ બે પુત્રીઓ ઘરને લોક માર્યા વગર ઘરની બહાર તેમજ પુત્ર ઘરની અંદર સુઈ ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મકાન ખોલીને અંદર પ્રવેશ કરી બીજી તિજોરીમાં મુકેલી પહેલી તિજોરીની ચાવી કાઢીને તિજોરી ખોલી લોકરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૮૧૪૫૦ રૂપિયાની મત્તાની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ નજીકમાં જ રહેતા કુટુંબી ભત્રીજા મણીભાઈ ખોડાભાઈ ચૌહાણના દરવાજા વગરના ખુલ્લા મકાનમાં પ્રવેશ કરીને લોખંડના પીપને મારેલું તાળુ નકુચા સાથે તોડી નાંખીને અંદર મુકેલા ૭૫૦૦ની કિંમતના ચાંદીના દાગીના મળીને કુલ ૮૮૯૫૦ રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે પાંચ વાગ્યાના સુમારે કનુભાઈના પત્ની જાગતા જ પોતાના તેમજ ભત્રીજાના ઘરમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતુ. ઘટનાની જાણ બોરસદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને કનુભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો.

 

(5:51 pm IST)