Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

હરિયાળા શહેર ગાંધીનગરમાં 7 વર્ષમાં 30 ટકા વૃક્ષો નાશ પામતા નવા 22 લાખ વૃક્ષો વાવવા પડશેઃ વનતંત્ર

વસ્‍તી ગીચતા, ગિફટ સીટી, મેટ્રો રેલ પ્રોજેક્‍ટ, રેલ્‍વે સ્‍ટેશન અને વિકાસ કારણભૂત

ગાંધીનગરઃ ગુજરાતનું હીરયાળુ પાટનગર ગાંધીનગરમાં વસ્તી ગીચતા, રેલ્વે પ્રોજેક્, ગિફટ સીટી તથા પર્યાવરણના ભોગે થયેલા વિકાસને કારણે છેલ્લા 7 વર્ષમાં 30 ટકા વૃક્ષાો નાશ પામ્યા છે. વનતંત્રના અહેવાલ મુજબ 2003ના દર 100 વ્યક્તિએ 416 વૃક્ષો હતા હવે પર્યાવરણને સંતુલીત રાખવા માટે 22 લાખ નવા વૃક્ષો વાવવા પડશે. ગીર ફાઉન્ડેશન દ્વારા 428 હેક્ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

શહેરની નજીક આવેલું રાજ્યનું હરિયાળુ પાટનગર હંમેશાથી પોતાની હરિયાળી માટે ઓળખાય છે. ગુજરાત સરકાર પણ મુદ્દે હંમેશા ફેફસા ફુલાવતી રહેતી હોય છે. જો કે હાલમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આવેલા એક અહેવાલના કારણે સરકાર અને તંત્ર ઉંઘતા ઝડપાયા છે. ગાંધીનગરના વૃક્ષો હવે ઘટાદાર રહ્યા નથી. ઉપરાંત છેલ્લા 7 વર્ષમાં 30 ટકા વૃક્ષો ઘટ્યાં પણ છે. રિપોર્ટ બાદ ગુજરાતના વનતંત્રએ નક્કી કર્યું છે કે, ગાંધીનગરની ઘટી ગયેલી વૃક્ષ ગીચતા પાછી મેળવવા માટે 22 લાખ વૃક્ષો વાવવામાં આવશે.

રાજ્યની રાજધાની ગાંધીનગરે 2017 અને 2019 વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. ગાંધીનગરની મધ્યમાં આવેલા ગાઢ જંગલ વિસ્તાર, 40-70 ટકા સાથે કેનોપી ડેન્સિટી માત્ર 10 થી 40 ટકા વૃક્ષોની ગીચતા ધરાવતો ખુલ્લો વિસ્તાર બની ગયો છે. ગાંધીનગર હવે એટલું લીલુ નથી રહ્યું જેટલું અગાઉ હતું. આવરણ બનવા પાછળનું કારણ ગાંધીનગરમાં સતત થઇ રહેલો વિકાસ અને ગિફ્ટ સિટી, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ફ્લાય ઓવર, આઇકોનિક રેલવે સ્ટેશન, સેક્ટર્સમાં પણ સતત થઇ રહેલા ડેવલપમેન્ટ સહિતના કારણો જવાબદાર છે.

ગાંધીનગરમાં 2003 દરમિયાન દર 100 વ્યક્તિએ 416 વૃક્ષો હતા જે 2015માં 456 થઇ ગયા અને હવે ઘટીને 412 થઇ ચુક્યાં છે. એટલે કે જે પ્રકારે વસતી અને ગીચતા વધતી જાય છે તેમ તેમ વૃક્ષો ઘટતા જાય છે. જો કે અહેવાલ બાદ હવે વન વિભાગ અને સરકાર બંન્ને સફાળા જાગ્યા છે. વન વિભાગના અનુસાર પર્યાવરણને વિકાસના કારણે થયેલું નુકસાન હવે ભરપાઇ કરવામાં આવશે. હરિયાળા ગાંધીનગર મિશન હેઠળ GEER ફાઉન્ડેશનના સહકારથી 428 હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. GIDC ની અંદર 75 હેક્ટરમાં પણ વૃક્ષારોપણ કરાશે. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પણ પ્લાન્ટેશન કરવામાં આવશે. 22 લાખ વૃક્ષો આગામી સમયમાં યુદ્ધના ધોરણે વૃક્ષારોપણ કરવામાં આવશે.

(5:40 pm IST)