Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વાઘોડિયાના ગોરજ ગામેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોવા ગયેલ યુવતિને મગર પૂંછડીની ઝાપટ મારી ખેંચી ગયો

મગરે કિશોરીના હાથમાં અને ખભામાં બચકાં ભરતી કિશોરીનું મોત નીપજાવ્યુ

વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડાં ધોવા ગયેલી કિશોરીને મગર પૂછડીની ઝાપટ મારીને નદીમાં ખેંચી ગયો હતો. ત્યાર બાદ મગરે કિશોરીના હાથમાં અને ખભામાં બચકાં ભરતી કિશોરીનું મોત નીપજાવ્યુ હતું. આ બનાવની જાણ વડોદરા ઇ.આર.સી. ટીમને થતાં તુરત જ લાશ્કરો પહોંચી ગયા હતા. અને નદીમાં 50 મીટર દૂરથી કિશોરીનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. મગરના હુમલાનો ભોગ બનેલી તુલસી હરીભાઈ નાયકા વલવા ગામે મામાના ઘરે આવી હતી.

વાઘોડિયા તાલુકાના મોહનપુરા ગામમાં રહેતી 15 વર્ષની તુલસી હરીશભાઇ નાયકા વાઘોડિયા તાલુકાના વલવા ગામમાં મામાના ઘરે આવી હતી. મામાના ઘરે ગયેલી તુલસી અને તેની સહેલી સવારે ગોરજ મુની આશ્રમ પાછળથી પસાર થતી દેવ નદીમાં કપડાં ધોવા માટે ગઇ હતી. તુલસી અને તેની સહેલી કપડાં ધોવામાં મશગુલ હતી તે સમયે નદીમાંથી ધસી આવેલા મગરે તુલસીને પૂછડીની ઝાપટ મારી નદીમાં ખેંચી ગયો હતો.

જે બાદ સહેલીએ તુલસીને બચાવવા માટે બુમરાણ મચાવી મુકી હતી. પરંતુ, તે સમયે હાજર કોઇ ન હોવાથી મગર તુલસીને 50 મીટર દૂર નદી સ્થિત બાવળોની ઝાંડીમા ખેંચી ગયો હતો. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા વન વિભાગ સહિત ફાયર બ્રિગેડની ટીમ કટા સ્થળે પહોંચી હતી. બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો નદી કિનારે પહોંચી ગયા હતા. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઇ.આર.સી.ના જવાનો સબ ઓફિસર જશુભાઇ વાઘેલા, પ્રભાતભાઇ તેમજ ઇ.આર.સી.ની ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા.

 

(10:27 pm IST)