Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બાકી રહેલો 50 ટકા મોંઘવારી ભથ્થાંના હપ્તાની રકમ ચુકવવા માંગણી

2019નો બાકી રહેલો 50 ટકાનો હપ્તો ચૂકવો: ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસો,એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અમદાવાદ :હાલમાં  દેશમાં એક પછી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય ભાવવધારાથી દેશવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ મોંઘવારીના કારણે જ ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને 2019નો બાકી રહેલો 50 ટકા મોંઘવારી ભથ્થાંના હપ્તાની રકમ ચુકવવા માંગણી કરી છે.

ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશનના પ્રમુખ જયેશ રાવલે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ 19ની આ મહામારી દરમિયાન સરકારના માર્ગદર્શન હેઠળ તમામ કર્મચારી-અધિકારીઓએ ખડે પગે રહીને રાજયની પ્રજાની સેવામાં નિરંતર કાર્યરત રહ્યાં છે. રાજય સરકાર દ્રારા કેન્દ્રના ધોરણે દર છ માસે મોંઘવારી ભાંવાકના આધારે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે છે. જે જાન્યુઆરી 2020થી આજદિન સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલમાં કોવિડ 19ની મહામારી દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય ભાવવધારો થયો છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ, શાકભાજી ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવોમાં અસહ્ય ભાવવધારો જોવા મળે છે. જુલાઇ 2019થી ચુકવવાનો થતો મોંઘવારી ભથ્થાંનો એક હપ્તો રાજય સરકારના કર્મચારીઓને ચુકવવામાં આવ્યો છે. પરંતુ બાકી રહેલ 50 ટકાનો હપ્તો આજદિન સુધી રાજય સરકાર દ્રારા ચૂકવવામાં આવ્યો નથી. કર્મચારીઓને રોજબરોજ મોંઘવારીના કારણે પડતી હાલાકીમાં થોડીક રાહત થાય તે માટે બાકી રહેલ 50 ટકાનો મોંઘવારીનો હપ્તો તાત્કાલિક ચુકવી આપવા વિનંતી કરી છે.

(9:04 pm IST)