Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી

જૂનની શરૃઆતમાં વરસાદ અચાનક ગાયબ થઈ ગયો : દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી, જૂનમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો

અમદાવાદ, તા. ૨ : ગુજરાતમાં જૂન મહિનાની શરુઆતમાં અને મધ્યમાં જે પ્રકારે વરસાદ તૂટી પડ્યો હતો તે જોતા આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની આશા વ્યક્ત કરાઈ રહી હતી પરંતુ ચોમાસાની શરુઆત થયા પછી જાણે વરસાદ ગાયબ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા જુલાઈમાં વરસાદ કેવો રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસું સામાન્ય (લાંબા સમય માટે સરેરાશ ૯૪થી ૧૦૬%) રહેવાની રહેવાની આગાહી કરી છે. હાલની અલ નીનો-સાઉથર્ન ઓસિલેશન (ઈએનએસઓ) સાથે ઈન્ડિયન ઓસન ડિપોલ (આડીઓ)ની નકારાત્મક સ્થિતિ બની રહી છે. અમદાવાદ માટે કરાયેલી આગાહીમાં શુક્રવારે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

જુલાઈ મહિનામાં સામાન્ય અને સામાન્યથી વધુ વરસાદ મધ્ય ભારતમાં રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત પણ મધ્ય ભારતમાં આવે છે માટે અહીં પણ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આગાઉ આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

ગુરુવારે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગમાં ૧થી ૮એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી. અમદાવાદમાં એક તરફ ઉકળાટ અને બીજી બાજુ ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે.

જૂન મહિનામાં દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત ના ભાગોમાં સારો વરસાદ નોંધાયો હતો, જોકે આ પછી વરસાદ ના થવાથી અને હવામાન ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ વધ્યો છે.

 

(7:40 pm IST)