Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અમદાવાદના કુબેરનગરમાં લોકોને પીવાનું પાણી દુષિત આવતા હજારો લોકોના આરોગ્ય અંગે પ્રશ્ન

અમદાવાદ: ઉત્તર ઝોનમાં કુબેરનગર વોર્ડમાં ડી વોર્ડથી લઇને એફ વોર્ડ સુધીના આશરે અઢીસોથી વધુ મકાનોમાં છેલ્લા પંદરેક દિવસથી પીવાનું પાણી દુષિત આવતા હજારો લોકોના આરોગ્યનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે. મ્યુનિ.અધિકારીઓ, કોર્પોરેટરોને રહીશોએ રજૂઆત કરી હોવા છતાંય હજુ આ સમસ્યા ન ઉકેલાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કુબેરનગર બજારમાં એસબીઆઇ બેંક સામેના રોડ પર ગટર-પાણીની લાઇન ખોદકામમાં તૂટી ગઇ છે. જેના કારણે પણ પાણીના ભરાવા સહિતની સમસ્યા ઉભી થઇ છે. 

કુબેરનગર વોર્ડમાં જી થી માંડીને એફ વોર્ડના રહીશો નળમાંથી આવતા દુષિત પાણીથી ત્રસ્ત બન્યા છે. સ્થાનિક રહીશ કમલેશ કૌરાણીના જણાવ્યા મુજબ નળમાં સતત અડધો કલાક સુધી પ્રદુષિત પાણી આવતું હોય  છે. પાણી ગંધ મારે છે. જેને લઇને પાણી ભરવું કે ના ભરવું તે મુંઝવણમાં રહીશો મૂકાઇ રહ્યા છે. છેલ્લા પંદરેક દિવસથી દુષિત અને ગંધયુક્ત પાણી આવતું હોવા છતાંય રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ વિસ્તારના રહીશ અને સેન્ટ્રલ પંચાયતના પ્રમુખ કમલ મહેતાણીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજારો રહીશો દુષિત પાણી પી રહ્યા છે. અઢીસો ઘરોમાં આ સમસ્યા છે. પાણીજન્ય રોગચાળો ફેલાઇ જવાની પુરેપુરી સંભાવના રહેલી છે. નળમાંથી પ્રદુષિત પાણી આવતું હોય તેવા ફોટા અને વીડિયો મ્યુનિ.અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોને મોકલ્યા હોવા છતાં પણ આ સમસ્યાના ઉકેલ માટે કોઇ નક્કર કાર્યવાહી કરાઇ રહી નથી. વોર્ડ ઓફિસ, ઝોનલ ઓફિસમાં ફરિયાદો કરી છે. ઓન લાઇન  ફરિયાદ  પણ કરવામાં આવી છે તેમ છતાં મ્યનિ.તંત્ર આંખઆડા કાન કરી રહ્યું છે. રહીશો પ્રદુષિત પાણીની સમસ્યાથી કંટાળી ગયા છે. તેઓએ ખાનગી પાણીના  ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે.  પીવા માટે ઠંડા પાણીના જગ મંગાવવાની મજબૂરી છે.

(5:11 pm IST)