Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અમદાવાદ: ખોખરા ગુરુજી ઓવરબ્રિજ નજીક વહેલી સવારે વાહનચાલકોને લૂંટવાના બનાવમાં ભરખમ વધારો થતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: ખોખરા ગુરૂજી ઓવરબ્રિજ પર વહેલી સવારે અને રાત્રે રાહદારીઓ, વાહનચાલકોને લૂંટી લેવાના બનાવો  સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એક મહિલાના મોબાઇલની લૂંટનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસ પેટ્રોલિન વધારવામાં આવે તેમજ લૂંટારૂ તત્વોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. ખોખરામાં રહેતા શ્રદ્ધાબેન  ગત તા.૨૭ જૂનના રોજ આ બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે તેઓની સાથે આ લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બે છોકરાઓએ લૂંટ કરી હોવાનું મહિલાએ પોલીસને જણાવ્યું હતું. આ અંગે સ્થાનિક રહીશોના મતે ગુરૂજી બ્રિજના બંને છેડે અવારનવાર વાહનચાલકો લૂંટાઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મોડી સાંજે અને રાત્રે લૂંટના બનાવો બની રહ્યા છે. આ મામલે ખોખરા પોલીસ બ્રિજ  પાસે ચાંપતી નજર રાખે અને આવા લૂંટારૂ તત્વોને ઝડપી પાડે તેવી માંગણી ઉઠવા પામી છે. પૂર્વ અમદાવાદમાં લોકડાઉન બાદથી કોરોનાકાળમાં લૂંટના બનાવો વધી ગયા છે. ઓઢવ રિંગરોડ, સોનીની ચાલી, રામોલ, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે. આ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

(5:10 pm IST)