Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સુરતના સલાબતપુરા નજીક બોગસ ડૉક્યુમેન્ટના આધારે સચિનનો પ્લોટ વેચી દેનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી

સુરત: શહેરના સલાબતપુરા સીંગાપુરીની વાડી વિસ્તારમાં ઓફિસ ધરાવતા વૃધ્ધ વકીલની પત્નીની માલિકીનો સચિન સુડા હાઉસીંગ પ્રોજેક્ટનો પ્લોટ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વેચાણ કરવાના પ્રકરણમાં પોલીસે બે ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

સલાબતપુરા સીંગાપુરીની વાડી નજીક મલ્ટીસ્ટોરીએટ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા વૃધ્ધ વકીલ જયવદન ભગવાનદાસ ચેવલી (ઉ.વ. 69, રહે. આગમ હેરીટેજ, સોમેશ્વરા સર્કલ, અલથાણ) એ 1998માં પત્ની ઉષાબેનના નામે સચિન સુડા હાઉસીંગ પ્રોજેક્ટનો પ્લોટ નં.13 ખરીદયો હતો. ચારેક વર્ષ અગાઉ આ પ્લોટ વેચવા માટે પ્લોટની બાજુમાં દુકાન ધરાવતા અંબારામ મારવાડીને જાણ કરી હતી પરંતુ ભાવતાલમાં વાંધો પડતો પ્લોટ વેચ્યો ન હતો. દરમિયાનમાં ઓક્ટોબર 2020માં વકીલ પુત્ર સાથે પ્લોટ જોવા ગયા ત્યારે ત્યાં બાંધકામ ચાલુ હતું. બાંધકામ અંગે તપાસ કરતા મેજરભાઇ બાબુરામ ચિત્તોડીયાના પિતાએ પ્લોટ ખરીદયો હતો અને વેચાણ દસ્તાવેજ રાજુ ભરવાડે કરી આપ્યો હતો. દસ્તાવેજમાં નામ ઉષાબેનનું હતું પરંતુ ફોટો અન્ય કોઇ વ્યક્તિનો હતો અને સાક્ષી તરીકે મેહુલ મોઢવડીયાની સહી હતી. જેથી અઠવાડિયા અગાઉ વૃધ્ધ વકીલે આ અંગે સચિન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ અંતર્ગત પોલીસે રાજુ ઉર્ફે બુધો હમીર ભરવાડ (ઉ.વ. 34 રહે. સત્ય નગર, તા. કામરેજ અને મૂળ. રમા સાબુની ફેક્ટરીની સામે, ભાવનગર) અને સાક્ષી મુકેશ ઉર્ફે મુકો મધાભાઇ મેર (ઉ.વ. 26 રહે. મોચી શેરી, ઉમરાળા, ભાવનગર) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 2018માં વકીલની ઓફિસમાં ચોરી થઇ હતી ત્યારે ડોક્યુમેન્ટ્સની ચોરી કરી હતી કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

(5:02 pm IST)