Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

1 જુલાઇ 1946 ના રોજ અમદાવાદ ખાતે રથયાત્રા દરમ્યાન થયેલાં રમખાણોમાં સેવાદળના બે યુવાનો વસંતરાવ હેગીષ્ટે અને રજબઅલી લાખાણી શહીદ થયા હતાઃ તેમનુ આ કોમી એકતા માટેનું આ બલિદાન અને શહાદત હાલ દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની છેઃ રથયાત્રા સાથે જોડાયેલી વસંત રજબની ઐતિહાસિક ગાથા

અમદાવાદ: રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રામાં અગાઉ થયેલા તોફાનોમાં શહીદ થયેલા વસંત રજબની શહાદતને પણ લોકો યાદ કરતા હોય છે. તારીખ 1 જુલાઇ 1946 ના રોજ અમદાવાદ ખાતે રથયાત્રા દરમ્યાન થયેલાં રમખાણોમાં સેવાદળના બે યુવાનો વસંતરાવ હેગીષ્ટે અને રજબઅલી લાખાણી શહીદ થયા હતા અને તેમનુ આ કોમી એકતા માટેનું આ બલિદાન અને શહાદત હાલ દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની છે. તો આ બંને વીર શહીદોની વિરગાથા સાથે રથયાત્રા કઈ રીતે જોડાયેલી છે અને કેમ ગાયકવાડ હવેલી ખાતે બનાવાયું બંધુત્વ સ્મારક તે અંગે પણ જાણવા જેવી ગાથા છે.

બંન્ને વીરોની શહાદતને વર્ષો બાદ પોલીસ દ્વારા સ્મારક બનાવી સાચવવામા આવ્યું છે. રથયાત્રામાં થયેલા તોફાનોમાં શહીદ થયેલા બંને વીરોના સ્મારક પાછળ કોની વધુ મહેનત છે તેની વાત કરવામાં આવે તો DIG ગુજરાત ATS ના હિમાંશુ શુક્લા અને ઇતિહાસકાર રિઝવાન કાદરીના શીરે આ મહેનત જાય છે. તેમના જીવનમાંથી યુવાપેઢી પ્રેરણા લે તેવા ઉમદા હેતુસર અમદાવાદ શહેરપોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ઐતિહાસિક ગાયકવાડ હવેલી સંકુલમાં 'વસંત-રજબ મેમોરિયલ'નું નિર્માણકાર્ય હાથ ધર્યું છે. ગાયકવાડ હવેલીના ઐતિહાસિક બુરજના ત્રણ માળમાં આકાર લેતું આ મેમોરીયલ મુલાકાતીઓ માટે પ્રેરણાદાયક બન્યું છે. અને હાલ પણ અનેક લોકો તેમની મુલાકાત લેવા બંધુત્વ સ્મારકમાં આવે છે.

કોણ હતા વસંતરાવ હેગીષ્ટે

અમદાવાદમાં 16 મે 1906 ના રોજ તેમનો જન્મ થયો હતો. 15 વર્ષની  ઉમરે આઝાદીની ચળવળનો તેમને રંગ લાગ્યો હતો. તેથી અભ્યાસ છોડીને બાપુની સ્વદેશી વિદ્યાપીઠ અપનાવી હતી. 1930માં મીઠાના સત્યાગ્રહના ભાગ લેવા બદલ જેલવાસ થયો હતો.  

કોણ હતા રજબઅલી લાખાણી

રજબઅલી એક ખોજા મુસ્લિમ હતા. 27 જુલાઇ 1919 ના રોજ કરાચીમાં તેમનો જન્મ થયો હતો. રજબઅલીના પરિવાર મુળ કાઠિયાવાડના લીંબડીના હતા. અભ્યાસ સમયે આઝાદીની લડતના રંગે રંગાયા  હતા.

કોમી તોફાનોમાં ભાઈચારો બતાવવા નીકળેલા યુવકો શહીદ થયા

મૂળ લાહોરના વતની રઝબઅલી લાખાણી પાર્ટીશન બાદ લીંબડી થઇ અમદાવાદ આવ્યા હતા. જ્યારે વસંત હેગીસ્ટે મૂળ મરાઠી હતા. પરંતુ તે વર્ષોથી અમદાવાદમાં જ રહેતા હતા. આ બંન્ને મિત્રો સને 1946 માં રથયાત્રા બાદ કોમી તોફાનો થયા ત્યારે લોકોમાં ભાઇચારા માટે નીકળ્યા હતા અને કોમી તોફાનો દરમિયાન જ બંનેએ શહાદત વ્હોરી હતી. એટલું જ નહીં તેમના નામે ગાયકવાડ હવેલીના કમ્પાઉન્ડમાં વસંત રજબ બંધુત્વ સ્મારક નામનું મ્યુઝિયમ બનાવાયું છે. મ્યુઝિયમમાં વસંત-રજબના સ્કલ્પચર ઉપરાંત પોલીસના યુનિફોર્મ તેમજ શસ્ત્ર પ્રદર્શન, શીલ્ડ સહિત અમદાવાદ શહેર પોલીસના ઇતિહાસને ઉજાગર કરાયો છે.

આમ તો  કોમી એકતા, ભાઈ બંધુ, વગેરે જેવા શબ્દો તમે નેતાના ભાષણમા અવારનવાર સાંભળ્યા હશે. પણ જ્યારે બે સામાન્ય વ્યક્તિએ કરેલા બહાદુરી સભર કામ બદલ હવે તેમના નામનુ મ્યુઝીયમ પણ બનાવી દેવાયું છે. અને તે પણ કોઈ નેતાની દોરવણી હેઠળ નહિ, પરંતુ ક્રાઈમ બ્રાન્ચમા બે યુવકોની બહાદુરી સાથે કોમી એખલાસનુ પ્રતિક ઉભુ થાય તે હેતુસર. મહત્વની વાત અહી એ છે કે જુલાઈ 1946 ના રોજ રથયાત્રામા ફાટી નીકળેલા કોમી રખાણોમા કોમી એકતા અને ભાઈચારા માટે શહાદત વહોરનાર વસંતરાવ હેગીષ્ટે અને રજબ અલીની યાદમા અને તેમના બહાદુરીની ઝાંખી કરાવતુ વસંત રજબ બંધુત્વ સ્મારક નામનું મ્યુઝિયમ બનાવવામા આવ્યુ છે. આ મ્યુઝિયમ તારીખ 1 જુલાઈ, 2015ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથે બંન્ને બહાદુરોની શહીદીના દિવસે ખુલ્લુ મુકવામા આવ્યું હતું. જેમાં વસંતરાવની બીજી પેઢી એટલે કે તેમના ભત્રીજાના હાથે વસંતરાયની ઓળખ કરાવનાર એવા તેમના પગના સેન્ડલ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા હતા અને તેને મ્યુઝિયમમાં મૂકાયા છે.

(4:48 pm IST)