Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રેલ કર્મચારીઓનું સ્થગીત મોંઘવારી ભથ્થુ એરીયર્સ સાથે ચૂકવવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી

વેસ્ટર્ન રેલ્વેએ મજદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ પણ ટેકામાં પત્ર લખ્યોઃ જલદી નિર્ણય નહિ લેવાય તો આંદોલન

રાજકોટ, તા. ૨ :. નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડીયન રેલ્વેમેન (એનએફઆઈઆર)ના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયાએ રેલ કર્મચારીઓના સ્થગીત મોંઘવારી ભથ્થા (ડીએ)ને એરીયર્સ સાથે રીલીઝ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે.

આ બારામાં શ્રી રાઘવૈયાએ ફાયનાન્સ મિનીસ્ટર શ્રીમતિ નિર્મલા સિતારામનને પત્ર દ્વારા રજૂઆત કરતા જણાવ્યુ કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રેલ કર્મચારીઓ પોતાની સેવા આપતા રહ્યા છે. સમગ્ર રેલ્વેમાં ૩૦૦૦થી પણ વધુ કર્મચારીઓએ કોરોનાની બિમારીથી જાન ગુમાવ્યો છે. કપરાકાળમાં કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવા કરી છે. મોંઘવારી ભથ્થુ રેલ કર્મચારીઓનો હક્ક છે. તેના ઉપર તરાપ માર્યા વગર સ્થગીત થયેલુ ભથ્થુ એરીયર્સ સાથે છુટુ કરવુ જોઈએ. કર્મચારીઓમાં આ મુદ્દે ખૂબ જ અસંતોષ ફેલાયેલો છે.

વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના પ્રેસિડેન્ટ શરીફખાન પઠાણ અને રાજકોટ ડિવીઝનના સેક્રેટરી હીરેન મહેતાએ પણ ઉપરોકત સંદર્ભે પત્ર લખીને માંગણી દોહરાવી છે. જો આ મામલે ઝડપથી નિર્ણય લેવામાં નહિ આવે તો આંદોલન કર્યા સિવાય છૂટકો નથી તેવુ કર્મચારી અગ્રણીઓ દ્વારા જણાવાયુ છે.

(3:58 pm IST)