Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

થાપણમાં ૩,૪૦૦ કરોડ જેટલો વધારો

કોરોના કાળમાં વિદેશમાં રહેતા કચ્છીઓએ કોથળા ભરીને રૂપિયા બેંકોમાં ઠાલવ્યા

અમદાવાદ, તા.૨: ગુજરાત રાજયનો કચ્છ  વિસ્તારની દૃષ્ટીએ લડાખ પછી સૌથી મોટો જિલ્લો છે. અહીંયા આમ તો રણપ્રદેશના કારણે પાણી સહિતની અનેક સમસ્યાઓ છે પરંતુ કચ્છીઓએ આ આફતોને ગણકાર્યા વગર વેપારધંધામાં કાઠું કાઢ્યું છે. દેશમાં મુંબઈ હોય કે વિદેશ કચ્છની ખમીરવંતી પ્રજાએ આર્થિક પ્રગતિમાં હરણફાળ ભરી છે. કચ્છીઓની આર્થિક પ્રગતિનો બોલતો પુરાવો જિલ્લાની બેંકોમાં જમા થતી માતબર થાપણ આપે છે. કચ્છના એનઆરઆઈ વિશ્વના કોઈ પણ દેશમાં વસે પરંતુ પોતાના ગામમાં વતનમાં બેંકમાં થાપણ ચોક્કસ જમા કરાવે છે. કચ્છની બેંકોમાં કોરોનાકાળમાં પણ ૩૪૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. કચ્છીઓની સમૃદ્ઘીનું આનાથી વધારે મોટું ઉદાહરણ કોઈ ન હોઈ શકે.

ધંધા રોજગાર માટે કચ્છીઓ વિદેશમાં સ્થાયી થયા છે અને લગ્ન પ્રસંગ, સામાજિક કે, ધાર્મિક પ્રસંગો, તહેવારો ટાંકણે અચુક માદરે વતન આવતા હોય છે. વિદેશમાં ધંધા-રોજગાર થકી મેળવેલી રકમ તેઓ સ્વદેશ અને વતનની એટલે કે કચ્છની બેંકોમાં મુકવાનું વધારે પસંદ કરે છે.

સત્તાવાર મળતી વિગતો મુજબ ૨૦૧૬થી લઇને ૨૦૧૯ એટલે કે, ચાર વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની બેંક થાપણો જે રીતે વધી તેના કરતાં કોરોના કાળના બે વર્ષમાં વધુ વધી છે. માર્ચ ૨૦૧૬ થી માર્ચ ૨૦૨૧ સુધીની કુલ થાપણની રકમ ૬૭,૬૦૦ કરોડ થવા જાય છે, જેમાં કોરોના કાળના માત્ર બે જ વર્ષમાં એટલે કે, ૨૦૨૦ અને ૨૦૨૧માં ગત વર્ષોની તુલનાએ ૩૪૦૦ કરોડની થાપણો વધી છે.

કોરોના મહામારીના કારણે વિદેશોમાં પણ ૨૦૨૦માં લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા હતા તો ૨૦૨૧માં પણ બીજી લહેરના કારણે પ્રતિબંધો જારી રહ્યા હતા. કચ્છમાં પણ ધાર્મિક, સામાજિક પ્રસંગો પર રોક લગાવાઇ હતી, જેના કારણે વિદેશથી કચ્છીઓએ માદરે વતન આવવાનું ટાળ્યું હતું.

વિદેશીઓએ ધંધા-રોજગારમાં રોકવા માટે રકમ રાખી હોય અને કોરોનાના કારણે ધંધા-રોજગાર બંધ પડતાં તે રકમ બેંકોમાં મુકી હોય, ધાર્મિક, સામાજિક પ્રસંગો માટે બચત કરી હોય કે, હજુ ત્રીજી લહેરરૂપે કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે સારવાર માટે બચત કરી હોય ગમે તે કારણ હોય પણ અગાઉના ૪ વર્ષના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો કોરોના કાળના બે વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની થાપણો વધી છે.

રાજકોટ નાગરિક બેંકના કન્વીનર દિલીપ ત્રિવેદીએ જણાવ્યું કે,અમારી બેંકમાં પણ થાપણનો ગ્રોથ ૨૦ ટકા જેટલો વધ્યો છે વિદેશમાં વસતા પટેલ ચોવીસીના સમાજના લોકો વતનની બેંકમાં થાપણ રાખવાનું વધારે પસંદ કરે છે જેથી જિલ્લાની બેંકોમાં થાપણનો દર વધુ છે આ જ કચ્છીઓની વિશ્વસનીયતાની નિશાની છે.

(3:58 pm IST)