Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

માસ પ્રમોશન બાદ લર્નિંગ લોસ જાણવા ધો. ૯-૧૦-૧૨ માં નિદાન કસોટી લેવાશે

નિદાન કસોટીના પ્રશ્નપત્રો DEOને મોકલાશે : ઓફલાઇન કે ઓનલાઇન લેવાની જાહેરાત ટુંક સમયમાં થશે : નિદાન કસોટીની પરિણામ ઉપર કોઇ અસર નહી પડે

રાજકોટ તા. ૨ : ગુજરાત સરકારે કોરોનાની મહામારીમાં આ વર્ષે ધો. ૧ થી ૧૨માં માસ પ્રમોશન આપ્યું છે. કોલેજમાં પણ બેઝીક મેરીટ પ્રોગ્રેશન આપ્યું છે. હવે શિક્ષણ વિભાગે ધો. ૯, ૧૦ અને ૧૨માં લર્નીંગ લોસ જાણવા નિદાન કસોટી લેવા વિચાર્યું છે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ ૧થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત પણ કરી હતી. ધોરણ ૯,૧૦ અને ૧૨માં ભલે માસ પ્રમોશન મળ્યું, પરંતુ લર્નિંગ લોસ જાણવા માટે પરીક્ષા લેવાશે. આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. આ પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન એની કોઈ સ્પષ્ટતા શિક્ષણ વિભાગે કરી નથી.

ધોરણ ૯,૧૦ અને ૧૨દ્ગક્ન વિદ્યાર્થીઓ માટે જ નિદાન કસોટી યોજાશે, જે શિક્ષણનું સ્તર જાણવા માટે મદદરૂપ થશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. નિદાન કસોટીના અભ્યાસક્રમમાં તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. ધોરણ ૯ની નિદાન કસોટી માટે ધોરણ ૮ના વિષયો આધારિત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો ૭ જુલાઈએ બોર્ડ દ્વારા DEO ને મોકલવામાં આવશે.

ધોરણ ૯ માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ ૮ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ ૧૦ માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ ૯ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ગણિતની નિદાન કસોટી લેવાશે. ધોરણ ૧૧ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે નામાંનાં મૂળતત્ત્વો, વાણિજય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્ત્વોજ્ઞાનની નિદાન કસોટી લેવાશે, જેમાં ધોરણ ૧૧ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.

(3:57 pm IST)