Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સોનાની માગમાં નોંધપાત્ર ઘટાડો : બીજી લહેર બાદ મેડિકલ ઇમર્જન્સી માટે બચત કરે છે લોકો

કોરોનાની બીજી લહેર બાદ સોનાની માગમાં ૭૩ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે : જૂન ૨૦૨૦માં ૩.૨૯ મેટ્રિક ટન સોનાની આયાત થઈ હતી, જે ઘટીને જૂન ૨૦૨૧માં ૦.૮૫ મેટ્રિક ટન થઈ છે : કોરોનાની બીજી લહેર બાદ લોકોની ખરીદશકિતમાં ઘટાડો જોવા મળ્યો છે : લગ્ન પ્રસંગો ઓછા થતાં જ્વેલરીની માગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે

અમદાવાદ તા. ૨ : કોરોના મહામારીના કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે. પરિણામે ખરીદશકિત ઘટી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં સોનાની માગમાં ૭૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ એર ગો કોમ્પ્લેકસના ડેટા મુજબ, જૂન ૨૦૨૧માં માત્ર ૦.૮૫ મેટ્રિક ટન સોનું આયાત કરવામાં આવ્યું, જયારે જૂન ૨૦૨૦માં ૩.૨૯ મેટ્રિક ટન સોનાની આયાત થઈ હતી.

જવેલર્સનું માનીએ તો, સમય પર મૂકાયેલા પ્રતિબંધ અને ગ્રાહકોના ઘટેલા વિશ્વાસને કારણે સોનાની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જવેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદના પ્રમુખ જીગર સોનીએ કહ્યું, 'આખા જૂન મહિના દરમિયાન માગમાં વધારો ના થયો કારણકે બીજી લહેરે લોકોની ખરીદશકિત નબળી પાડી છે. વેપાર-ધંધા માંડ પાટા પર ચડી રહ્યા તે બંધ કરવા પડ્યા તેમજ સ્ટાફની છટણી અને બિનઉપયોગી ક્ષમતા જેવા વિષચક્રમાં ફસાઈ ગયા. ઉપરાંત લગ્ન પ્રસંગો પણ ઓછા થઈ જતાં સોનાના દાગીનાની માગ ઘટી ગઈ.'

ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સનું કહેવું છે કે, સોનાના નીચે જતાં ભાવના કારણે બુલિયનની માગમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાાયો છે. છેલ્લા પખવાડિયાથી ૧૦ ગ્રામ સોનાના ભાવ ૫૧,૦૦૦ રૂપિયાની આસપાસ હતા જે ગુરૂવારે ઘટીને ૪૮,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયા છે.

'સોનામાં રોકાણ લોકો માટે પણ ગોલ્ડની ઘટતી કિંમત અવરોધક સાબિત થઈ છે. સાથે જ સોનાના ઘરેણાંની માગ વધારવામાં પણ નિષ્ફળ રહી છે,' તેમ અમદાવાદના એક જવેલરે જણાવ્યું. વિશ્લેષકોના મત પ્રમાણે, લોકો હાલ ખોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને, કોરોનાની ભયાવહ બીજી લહેરના સાક્ષી બન્યા પછી મેડિકલ ઈમર્જન્સી માટે રૂપિયા બચાવી રહ્યા છે. પરિણામે ગોલ્ડ અને જવેલરી બંનેની માગને ફટકો પડ્યો છે. જોકે, ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં પ્રથમ ત્રિમાસિક ગાળો થોડો સારો હતો. જોકે, આનું મુખ્ય કારણ એ છે કે, ગત વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકડાઉનના કારણે માગ સાવ ઠપ થઈ હતી.

(11:57 am IST)