Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

૫૦ રૂપિયામાં ખરીદી ૭૨ રૂપિયામાં લકઝરી ટેન્કરને બાયો ડીઝલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ જિલ્લાના મનીષ પટેલ સહિતના આરોપીઓ પાસેથી સ્થળ પરથી જ સાત લાખ રોકડા સહિત મીટર પંપ અને માપિયા સહીતનો મુદ્દામાલ કબ્જે કરતી સુરત પોલીસ : ઉપલેટા અને રાજસ્થાનના ૪ શખ્સો દ્વારા દક્ષિણ ગુજરાતમાં રાતોરાત માલદાર થવા વિશાળ ટાંકામાં સંગ્રહ થતો હતોઃ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમની પૂછપરછમાં ચોકાવનારા ધડાકા

રાજકોટ તા.૨: મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના શખ્સ દ્વારા કેટલાક રાજસ્થાનના ગુનેગારો સાથે હાથ મિલાવી બાયો ડીઝલનો કારોબાર સુરત સહિત સમગ્ર સાઉથ ગુજરાતમાં ધમધમાવા માટે મોટું નેટવર્ક ગોઠવ્યાની બાતમીના આધારે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સરથાણા પોલીસ મથક મારફત સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી પાંચ શખ્શોને ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

 પોલીસ કમિશનર અજયકુમાર તોમરના સીધા માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા આરોપીઓની પૂછપરછ થતાં ઉપલેટાના શખસ અને રાજસ્થાનના શખ્સ દ્વારા ચોક્કસ સ્થળોમાંથી રૂપિયા ૫૦ કે ૬૦મા ખરીદી કરી લકઝરી અને ટ્રક  અને ટેન્કરોને રૂપિયા ૭૨ લેખે વેચાણ કરવામાં આવતું હતું.

સમગ્ર જથ્થો પાણીના ૩ હજાર થી ૫ હજારના ટાંકામાં સંગ્રહિત કરી સ્થળ પર જ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ૭ લાખથી વધુ રોકડ પણ કબ્જે થયેલ છે.

પોલીસ દ્વારા સુરેશભાઈ ખિંચી,ઉપલેટા પંથકના મનીષભાઈ પટેલ,બાબુ ખટીક,મુકેશ ખટીક તથા ઉમેશ પરીહાર તમામ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાના હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) બાયોડિઝલ કેમીકલ પ્રવાહી કુલ આશરે ૧૧,૬૦૦ લીટર જેની  કુલ કિં.રૂ.૮,૩૫,૨૦૦, (૨) બાયોડિઝલ કેમીકલ પ્રવાહી વેચાણના કુલ રોકડ કિ.રૂ.૭,૬૨,૨૩૦, (૩) ડિઝલ મીટર પમ્પ નંગ.૨ કિ.રૂ.૧,૨૦,૦૦૦, (૪) પ્લાસ્ટીકની નાની મોટી સાઈઝની નળીઓ કુલ નંગ.૪ કિ.રૂ.૦૦,૦૦૦,  (૫) પ્રવાહી ખેંચવાનો પમ્પ મોટર નંગ.૨ રૂ.૪૦૦૦, (૬) કેલ્યુલેટર નંગ.૨ કિં.રૂ.૨૦૦, (૭) ૫ લીટરનું ધાતુનું માપીયુ નંગ.૧ કિં.રૂ.૧૦૦, (૮) પ્લાસ્ટીકના ૩૫ લીટર વાળા બેરલો નંગ.૫ કિં.રૂ.૨૫૦, (૯) ડેન્સીટી માપવાનું થર્મોમીટર નંગ.૧ કિં. રૂ.૧૦૦

(11:55 am IST)