Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગુજરાતમાં ગરીબ પરિવારો વધીને ૩૧.૪૧ લાખ થયાં : છેલ્લા બે વર્ષમાં ૬૧૦૦ પરિવારો ઉમેરાયા

રાજ્યમાં ૩૧.૪૧ લાખ પરિવારો એટલે કે ૧.૨૫ કરોડ જેટલી વસતી ગરીબી રેખાની નીચે

અમદાવાદ : કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષમાં કેટલા ગરીબ પરિવારોનો ઉમેરો થયો છે તે આંકડો હજી બહાર આવ્યો નથી પરંતુ વિકાસશીલ મનાતા ગુજરાતમાં હાલ ૩૧.૪૧ લાખ પરિવારો એટલે કે અંદાજે ૧.૨૫ કરોડ જેટલી વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ ૬૧૦૦ પરિવારનો ઉમેરો થયો છે.

  ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના દોઢ વર્ષમાં અપર મિડલ કલાસ લોઅર મિડલ કલાસ અને લોઅર મિડલ કલાસ ગરીબ વર્ગમાં આવી ગયો છે જેના કારણે ગરીબોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોની નોકરીઓ છીનવાઇ છે. આવકના સાધનો ઓછાં થયાં છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે ઘરના બે છેડાં ભેગા કરવા અશકય બની ચૂકયાં છે.

  રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે  રાજ્યના વિવિધ જિલ્લામાં શૂન્યથી ૧૬ ગુણાંકવાળા ૧૬૧૯૨૨૬ પરિવારો અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા ૧૫૨૨૦૦૫ પરિવારો મળીને કુલ ૩૧૪૧૨૩૧ પરિવારો વસવાટ કરી રહ્યાં છે.

મોટી સંખ્યામાં ગરીબ પરિવારોનો ઉમેરો થયો હોય તેવા જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં ૨૪૧૧ પરિવાર, રાજકોટમાં ૧૫૫૦૯, જૂનાગઢમાં ૪૨૧, સાબરકાંઠામાં ૩૮૦, વલસાડમાં ૨૨૩, દેવભૂમિ દ્રારકામાં ૧૯૬ અને દાહોદમાં ૧૨૭ નો સમાવેશ થાય છે. સૌથી વધુ ૨૩૬૯૨૧ ગરીબ પરિવારોની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં અને સૌથી ઓછા ૨૧૧૧૧ ગરીબ પરિવારો પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. આ ગરીબ એટલે કે જેમની પાસે બીપીએલનું રેશનકાર્ડ છે તેમનો સમાવેશ થાય છે. જેમની પાસે રેશનકાર્ડ નથી તેમનો આ ગણતરીમાં સમાવેશ થતો નથી.

ગુજરાતમાં ૨૦૧૯માં ગરીબ પરિવારોની સંખ્યા ૩૦.૯૪ લાખ હતી તેમાં વધારો થઇને ૩૧.૪૧ લાખ થઇ છે. એક પરિવારમાં ચાર સભ્યોની સંખ્યા ગણવામાં આવે તો રાયમાં ગરીબ લોકોની સંખ્યા ૧.૨૫ કરોડ થઇ છે તેવું કહી શકાય.

(11:52 am IST)