Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વડોદરા લવ જેહાદ કેસમાં નવો વળાંક: યુવતીએ કહ્યું-સમીર મુસ્લીમ છે તે હું પહેલાથી જાણતી હતી, મરજીથી નિકાહ કર્યા

સોગંદનામાનો સરકારી વકીલ અનિલ દેસાઈએ સખત વિરોધ કર્યો : યુવતી ઉપર દબાણ લાવીને સોગંદનામુ કરવામાં આવ્યુ હોવાની દલીલ

વડોદરા :ક્રિચ્યિન ટ્રાન્સપોર્ટર તરીકે ખોટી ઓળખ આપીને ગોત્રી વિસ્તારમાં રહેતી હિંદુ દલીત શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરવાના લવ જેહાદના સુધારાયેલા કાયદા પ્રમાણેના રાજયના પ્રથમ કેસમાં પીડિતાએ જામીન અરજીની સુનાવણીના તબક્કે કરેલા એફિડેવિટથી નવો વળાંક આવ્યો છે. પીડિતાએ જણાવ્યુ છે કે જે કાંઈ થયુ છે તે મારી મરજીથી થયુ છે મારા પતિને જામીન આપો, તેવી માંગણી કરી છે

 આ સોગંદનામાનો સરકારી વકીલે સખત વિરોધ કર્યો છે અને યુવતી ઉપર દબાણ લાવીને સોગંદનામુ કરવામાં આવ્યુ હોવાની દલીલ કરી છે. આરોપીની જામીન અરજીનો ચુકાદો અદાલતે અનામત રાખ્યો છે.

  ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ તથા દુષ્કર્મ સહીતની કલમો હેઠળની એફ .આઈ. આર. તા.17મી જુને ગોત્રી પોલીસ મથકે નોંધાઈ હતી. મુખ્ય આરોપી સમીર અબ્દુલ કુરેશી (રહે, તરસાલી આદર્શનગર)ની પોલીસે ધરપકડ કરી હતી જે આરોપી હાલમાં જેલમાં છે. જામીન મેળવવા માટે સમીર કુરેશીએ બે દિવસ પહેલા અત્રેની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા પીડિતાએ કોર્ટમાં સોગંદનામુ મુકયુ હતુ. જેમાં જણાવ્યુ છે કે, સમીર મુસ્લીમ છે તે હકીકત જાણતી હતી. પ્રેમ સબંધ હતો અને ગર્ભપાત પણ મરજીથી કરાવ્યો હતો. આરોપી પતિ છે જેને જામીન આપવાની મુખ્ય રજુઆત હતી.

જે સોગંદનામા સામે મુખ્ય સરકારી વકીલ અનીલ દેસાઈની દલીલ છે કે, પીડિતા ઉપર દબાણ લાવીને સોગંદનામુ કરાવી લેવામાં આવ્યુ છે. ધર્મ પરીવર્તન કરીને લગ્ન કર્યા હોય તેવા કિસ્સાઓ માટે જ રાજય સરકાર ગુજરાત ધર્મ સ્વતંત્રતાનો નવો કાયદો લાવી છે. બંન્ને પક્ષે દલીલો પૂર્ણ થઈ ચુકી છે અદાલતે ચુકાદો અનામત રાખ્યો હોવાનું જાણવા મળે છે.

સરકારી વકીલની મુખ્ય દલીલો(1) પોલીસ ફરીયાદના સમર્થનમાં જે ડોકયુમેન્ટસ રજુ થયા છે તેમાં અને એફિડેવિટમાં સહીઓ જુદી છે. (2) તા.17મી જુને પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી
(3) તા. 20મીએ કોર્ટમાં સી.આર.પી.સી. 164 મુજબ નિવેદન નોંધીને ફરીયાદને સમર્થન આપ્યુ (4) તા.24મી જુને એફિડેવીટ તૈયાર કર્યુ જેમાં પતિને જામીન આપવાનો ઉલ્લેખ કર્યો
(5) આરોપીએ તા.29મીએ જામીન અરજી મુકી એટલે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કર્યો જેથી સોગંદનામુ માનવા પાત્ર નથી.

આ કેસની તપાસ ચલાવી રહેલાં એસસી એસટી સેલના એ.સી.પી. ડી. કે. રાઠોડે કોર્ટમાં સોગંદનામુ કર્યુ હતુ જેમાં જણાવ્યુ હતુ કે, ગંભીર પ્રકારનો ગુનો છે. જામીન અપાશે તો સાક્ષીઓ ફોડીને કેસને નુકસાન પહોંચાડશે. કેસમાં નાસતા ફરતા આરોપી તેના કુટુંબના સભ્યો છે જેમને ભગાડવામાં મદદગારી કરશે. ધર્મ પરીવર્તન અને એટ્રોસીટીનો ગંભીર ગુનો છે જામીન અપાશે તો ફરીથી આવા પ્રકારના ગુના આચરશે. ધર્મપરીવર્તન કરાવામાં કોનુ માર્ગદર્શન હતુ? કોણે મદદ કરી હતી? આ દિશામાં તપાસ ચાલુ છે જામીન અપાશે તો પુરાવાનો નાશ કરશે.

(11:36 am IST)