Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

નવા વ્હીકલ પાસિંગની સંપૂર્ણ પ્રક્રિયા ઓટો ડીલરોને સોંપવાનો તખ્તો તૈયાર

ટેકસ ભરવાથી માંડીને વેરિફિકેશન, નંબર ફાળવણી પણ ડીલરો કરશે : નવા વાહન રજિસ્ટ્રેશનમાં આરટીઓની કોઇ જ દખલગીરી રહેશે નહી

અમદાવાદ, તા.૨: રાજયના વાહન વ્યવહાર વિભાગે નવા વ્હીકલની પાસિંગને (રજિસ્ટ્રેશન) લગતી સંપૂર્ણ પ્રક્રિયા ડીલરોને સોંપી દેવા તખ્તો તૈયાર કર્યો છે. ટેકસ ભરવાથી માંડીને કાગળોની ચકાસણી અને અંતે નંબરની ફાળવણી સુદ્વાં ડીલરો કરશે. એટલે નવા વ્હીકલની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં આરટીઓ કોઇપણ પ્રકારની દખલગીરી નહીં કરે.

રાજયના વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સ, ડુપ્લિકેટ આરસીબુક, એચપી કેન્સલ સહિતની કામગીરી ફેસલેસ કરી દેવામાં આવી છે. એકાદ-બે કામગીરીને બાદ કરતા તમામ કામગીરી ફેસલેસ કરી દેવાઇ છે. નવી વ્યવસ્થાનો જે તખ્તો ગોઠવાયો છે, તેમાં હવે સ્થિતિ એવી બનશે કે, નવા વાહન ખરીદી તે પહેલા રજિસ્ટ્રશેનની પ્રક્રિયા પૂરી કરી વાહનનો નંબર પણ ફાળવી દેવાશે. શકય હશે તો નંબર પ્લેટ પણ લગાડીને કારની ડિલિવરી કરાશે. વાહન વ્યવહાર વિભાગ અને ડીલરના પ્રતિનિધિ મંડળ સાથે આ મુદ્દે અનેક વખત બેઠક યોજાઇ પણ ચૂકી છે.

અત્યારે વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે?

હાલમાં નવી કાર-બાઇક કે કોઇપણ પ્રકારના વ્હીકલનું વેચાણ થાય તો ડીલરો વાહન ખરીદનારને વાહનની ડિલિવરી કરતી વેળા સરનામા-આઇડીપ્રૂફ, પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના પુરાવા લે છે. આરટીઓની વેબસાઇટ પર અપલોડ કરી ટેકસ ભરે છે. બાદ પાલિકાનો ટેકસ ભરે છે. આ પ્રક્રિયા બાદ આરટીઓ ઇન્સ્પેકટર ડીલરોના ફોર્મ-કાગળોનું ક્રોસ વેરિફિકેશન કરે છે, તે એપ્રૂવ થયા બાદ જ નંબર ફાળવણીની પ્રક્રિયા થાય છે.

પાલિકાનો ૨.૫ ટકા ટેકસ વસૂલવાનો પ્રશ્ન જટિલ બનશે

હવે પાસિંગની કામગીરી ડીલરો દ્વારા જ કરાશે તો પાલિકાએ દરેક ડીલરને ત્યાં કર્મચારી બેસાડવો પડે તેવી નોબત આવી છે.

(10:16 am IST)