Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગેસ, પેટ્રોલ અને ડીઝલમાં ઊઘાડી લૂંટ : મોંઘવારીના મારથી પ્રજા પરેશાન : ભાવ વધારો પાછો ખેંચે સરકાર : મનીષ દોશી

સાત મહિનામાં જ સીલીન્ડરમાં 240 રૂપિયાનો વધારો : છ મહિનામાં 57 વખત પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધ્યા

અમદાવાદ :રાંધણગેસના સીલીન્ડરમાં નવેમ્બર – 2020માં 594 રૂપિયાની સામે 1લી જુલાઈ – 2021માં 834 રૂપિયા એટલે કે સાત મહિનામાં 240 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકીને સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવાનું મુશ્કેલ બનાવી દીધુ છે ત્યારે ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસમાં 25 રૂપિયા જેટલો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર આપ્યો છે. ભાજપ સરકારે જુન મહિનામાં 15 વખત અને વર્ષ 2021ના છ માસમાં 57 વખત પેટ્રોલ – ડીઝલમાં ભાવ વધારો ઝીંકી સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન થઇ ગઇ છે

 

ડો. દોશીએ વધુમાં સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ 8381.96 કરોડ અને ડીઝલ પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી મંદી, મોંઘવારી અને મહામારીમાં જનતાની મુશ્કેલી વધારનાર ભાજપ સરકાર જવાબ આપે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં સબસીડી રૂપે 2004-2005 થી વર્ષ 2019-20 એટલે કે, 15 વર્ષના 10,99,234 કરોડની સામે હિન્દુસ્તાનના નાગરિકો પાસે 2014-15 થી વર્ષ 2021 સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. 22,90,777 કરોડ જેટલી માતબર રકમની લુટ ચલાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતા દેશની 130 કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે.

‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી જીતી સત્તા મેળવનાર મોદી સરકાર – કેન્દ્ર સરકારના મહામારી – આફતમાં ‘‘લૂંટના અવસર’’ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી અને મહામારીમાં પરેસાન જનતા માટે ૧લી જુલાઈના દિવસથી જીવન જીવવુ પારાવાર મુશ્કેલ થાય તે પ્રકારે ભાજપ સરકારના નિર્ણયો જેમ કે, રાંધણ ગેસના બાટલા માં 25 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તેથી નવો ભાવ 875 રૂપિયા, અમુલ દૂધની થેલી માં 2 રૂપિયા નો ભાવ વધારો થતાં નવો ભાવ 56 રૂપિયા (અમુલ ગોલ્ડ), પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ 95 રૂપિયા, ટુ વ્હીલર વાહનો અને કારની કિંમતમાં 10% નો ભાવ વધારો, બેન્કિંગ ચાર્જીસ સહિતમાં પણ આજથી 20 થી 200 રૂપિયાનો ભાવ વધારો (રોકડ ઉપાડ પર અને એ.ટી.એમ. તથા ચેકબૂક પર) , સીંગતેલ નો ડબ્બો 2700 રૂપિયા. દાળ – ચોખા સહિત જીવન જરૂરીયાત ચીજવસ્તુઓમાં પણ સતત ભાવ વધારો, પ્રજાને મારી નાખશે આ મોંઘવારી, કોરોનામાં લાખો લોકોંની રોજગારી છીનવાઈ ગઈ છે. વેપાર ધંધા મૃતઃપ્રાય છે, મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, આવકમાં ઘટાડો અને સરકારે બધે ભાવ વધારો ઝીકી દીધો છે. લોકોને જીવન જીવવુ અતિ મુશ્કેલ, શું આ છે અચ્છેદીન… ? તેવો પ્રશ્ન કર્યો છે.

(11:36 pm IST)