Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નર્મદા જિલ્લાના નવપરા (નિકોલી)ગામમાં પંચાયતની ગટર લાઇનના કામ દરમિયાન બબાલ: સરપંચને મારી નાંખવાની ધમકી

સરપંચને મારમારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ: એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ

( ભરત શાહ દ્વારા) રાજપીપળા - નર્મદા જીલ્લાના નવાપરા નિકોલી ગામે પંચાયતની ગટર લાઇનના પાણીના નિકાલ માટે કામ કરાવતા ગામના સરપંચને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સરપંચે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે
  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના નવાપરા નિકોલી ગામે પંચાયતની ગટર લાઇનના પાણીના નિકાલ માટે ગામના સરપંચ મુકેશભાઈ બચુભાઈ તડવી ગટર લાઇનનુ કામ કરાવતો હતો, ત્યારે ગામનોજ યુવાન વિશ્વરાજસિંહ ઉર્ફે શીવો દિલાવરસિહ ગોહિલના ધરની પાછળના ભાગે આ કામ શરુ કરાતા વિશ્વરાજસિંહએ સરપંચને કહ્યું કે પોતાના પ્લોટમા ગટર લાઇન નાખવાની નથી જેથી સરપંચે ફોડ કરતા જણાવ્યું હતું કે ગટરલાઇનના ખાલી ભુગળા જ નાખવાનાં છે,પછી તેમા માટી પુરાણ કરી નાખીશું તમને કોઈજ તકલીફ પડે નહી
  આટલી વાતચીત કરતા વિશ્વરાજસિંહએ સરપંચને તમે ધાણકા સરપંચ બની ગયા છો,કહી મા બેન સમાણી ગાળો આપી અપશબ્દો બોલી, જાતિ વિષયક અપશબ્દો બોલી પાવડા વડે માર મારી જાનથીમારી નાખવાની ધમકી આપતાં સરપંચે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

(8:06 pm IST)