Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પ્રેમમાં પડતા કોલેજિયનોને પોકસોથી માહિતગાર કરો

ગુજરાત હાઈકોર્ટનું અવલોકન : સગીર વયના છોકરા દ્વારા સગીરાને ભગાડી જવાની હેબિયસ કોર્પસ રિટમાં હાઈકોર્ટની બેન્ચનું મહત્વનું તારણ

અમદાવાદ, તા. : સગીર વયના છોકરા દ્વારા સગીરાને ભગાડી જવાની હેબિયસ કોર્પસ રિટમાં ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ સોનિયા ગોકણી અને એન.વી. અંજારીયાની ડિવિઝન બેન્ચે મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે, પ્રેમમાં પડતા કોલેજના નવ-યુવાનોને પોકસો વિશે માહિતગાર કરવું જરૂરી છે, જેથી તેઓ ગંભીર ગુનો કરતા બચી શકે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, કાયદાનું જ્ઞાન હોવાથી ઘણા સગીર વયના બાળકોને પોકસોની વિવિધ કલમનો સામનો કરવો પડે છે. નવ-યુવાનો પ્રેમમાં પડીને આવા કૃત્યો કરી બેસે છે. જો કે, તેમાં પોકસોની કલમ લાગતી હોવાથી મોટી સજા થઈ શકે છે. પોકસોનો કાયદો સગીર યુવતીઓના રક્ષણ માટે લાવવામાં આવ્યો હતો. જો કે, છોકરી સાથે પ્રેમમાં પડતા નવ-યુવાનોને દુષ્કર્મની સાથે-સાથે પોકસોની વિવિધ વિવિધ કલમનો સામનો કરવો પડે છે.

           આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કોલેજોમાં અભ્યાસ કરતા યુવકોને કાયદાનો અભ્યાસ કરાવવો ખૂબ જરૂરીછે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં સગીર વયની યુવતી સગીર વયના છોકરા સાથે ભાગી ગઈ હતી. ગત સપ્તાહ દરમિયાન યુવતીની શોધી કાઢવામાં આવી હતી. બાદમાં સગીર વયનો છોકરા પર પોકસોની કલમ લગાડવામાં આવી હતી. સગીર વયની યુવતીના માતા પિતા મોટી ઉંમરના યુવાન સાથે તેના લગ્ન કરવા માંગતા હતા. કોર્ટે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી છે અને છોકરીના માતા-પિતાને ૧૮ વર્ષ પહેલા તેના લગ્ન કરવાનો આદેશ કર્યો છે.

(7:39 pm IST)