Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં નિવૃત શિક્ષકના ઘરમાંથી અડધા કરોડની ચોરીઃ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ

અમદાવાદઃ શહેરનાં કુબેરનગર વિસ્તારમાં નિવૃત શિક્ષકના ત્યાંથી રૂ. 50 લાખની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. લોકડાઉનના સમયમાં આટલી મોટી રકમ શિક્ષક ક્યાંથી લાવ્યા તેની ચર્ચા શરૂ થઈ છે. પોલીસે હાલમાં રૂ.50 લાખની ચોરી અનવે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. કુબેરનગર વિસ્તારમાં રહેતા ઉત્તમભાઈ સિંધી નિવૃત શિક્ષક છે. નિવૃત્તિ બાદ ઉત્તમભાઈને બીજું મકાન બનાવવાનું હોવાથી તેઓ અન્ય વેપારી પાસેથી રૂ.20 લાખ લાવ્યા હતાં.

આ ઉપરાંત નિવૃતીની રકમ રૂ.17 લાખ મળી કુલ રૂ.50 લાખની રકમ ઉત્તમભાઈએ તેમના ઘરે મૂકી રાખી હતી. દરમિયાનમાં બુધવારે પરોઢે 2 થી 4ના સમયગાળામાં ઉત્તમભાઈના ઘરમાં ઘુસેલા તસ્કરો રૂ.50 લાખની માતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. સરદારનગર પોલીસે આ અંગે ચોરીનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોરી કરવા બંને શખ્સો સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. પોલીસે ફૂટેજ કબ્જે લઈ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બીજી બાજુ અમદાવાદનાં આનંદનગરનાં રત્નાકર એલિટીયરનો પણ ચોરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રત્નાકર એલિટીયરમાં રહેતાં ચાર્ટડ એકાઉન્ટન્ટનાં ઘરે છાશવારે ચોરીની ઘટના બનતી હતી પરંતુ ચોર પકડાતો ન હોતો. ત્યારે ચોરને પકડવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યાને નોકરાણી ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ હતી.

આનંદનગર પોલીસે આરોપી નોકરાણી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ચોરીની આ ઘટના બાદ આસપાસના લોકો પણ તેમના ત્યાંથી ચોરી થયાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. આનંદનગર પોલીસે આ અંગે 65 હજાર રૂપિયાની રોકડ અને 30 હજાર રૂપિયાની ડાયમન્ડની સોનાની બુટ્ટી એમ કુલ 95 હજાર રૂપિયાની ચોરી અંગે ગુનો નોંધી આશા ચૌહાણની ધરપકડ કરી હતી.

(5:24 pm IST)