Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આઇપીએસથી લઇ પોલીસમેન સુધીનો સ્ટાફ કોરોનાનો ભોગ બનતા નવી રણનીતિ

પ્રોજેકટ યોગ પ્રહરીનો પુરજોશમાં અમલઃ નડીયાદ પોલીસે સૌ પ્રથમ ચેલેન્જ સ્વીકારી : એસપી દિવ્ય મિશ્રા-ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ સહીત ૧૭ વિજેતા થયા

રાજકોટ, તા., ૨:  કોરોના વાયરસની મહામારી ઓછી થવાના બદલે દિવસે-દિવસે વધતા સાથે જેમને મહત્વની ફરજ અદા કરવાની છે તેવા આઇપીએસથી લઇને પોલીસમેન સુધીના લોકો પર કોરોના વાયરસ સતત ઝળુંબતો હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતર્ક થઇ ગયા છે, આવી પરિસ્થિતિમાં પોલીસ તંત્રને ભોગ બનતું અટકાવવા માટે તેમની ફીટનેશ વધારવા માટે રાજયભરમાં ચાલતી પ્રક્રિયા અંતર્ગત ખેડા નડીયાદના એસપી દ્વારા પ્રોજેકટ યોગપ્રભારીનો પ્રારંભ કરી તેમાં નિયમીત ભાગ લઇ પોતાની ઇમ્યુનીટી વધારવાની ચેલેન્જ સ્વીકારનારને વિજેતા જાહેર કરવાની પધ્ધતી રાજય પોલીસ તંત્રમાં અનુકરણીય બની રહી છે.

એક માસ સુધી વિટામીન ડી સહીતના પોષણક્ષમ ખોરાકની સાથોસાથ ૩૦ દિવસ સુધી ૧૦ મીનીટ માટે ભુલ્યા સિવાય પ્રણાયામ  કોઇ પણ સંજોગોમાં કરવાની ચેલેન્જ ખેડા નડીયાદ એસપી દિવ્ય મિશ્રાએ આપી અને જાતે જ તેનો અમલ કર્યો છે.

પોલીસ સ્ટાફના આ પ્રોજેકટ યોગ પ્રહરી ક્રમશઃ પોલીસ સ્ટાફને જોડી તેમાં કોઇ પણ સંજોગોમાં નાઇટ પેટ્રોલીંગ કર્યુ હોવા છતા સમયસર આ પ્રોજેકટમાં એક પણ દિવસની ચુક વગર જોડાનારને વિજેતા ઘોષીત જાહેર કરવામાં આવે છે.

ફીટ હે તો હીટ હૈ એવા મંત્ર સાથેના આ પ્રોજેકટમાં જુન માસમાં સમગ્ર માસ દરમિયાન એક પણ દિવસ પાડયા વગર પ્રોજેકટમાં જોડાયેલા ૧૭ વિનર જાહેર થયા છે. જેમાં એસપી દિવ્યા મિશ્રા, ડીવાયએસપી  (હેડ કવાર્ટર) વિક્રમસિંહ જે.રાઠોડ, એલસીબી પીઆઇ એમ.ડી.પટેલ, એસઓજી પીઆઇ આર.એન.વાઘેલા, કપડવંજ સીપીઆઇ પી.બી.સંઘાણી વિગેરેનો સમાવેશ થયો છે.

(11:48 am IST)