Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કસ્ટોડીયલ વાયોલન્સના આક્ષેપોની ઝડપથી તપાસ થાય તો ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકશે અને લોકોનો પોલીસમાં વિશ્વાસ વધશે

દેશભરમાં ચર્ચીત તામીલનાડુમાં પિતા-પુત્રના કસ્ટોડીયલ ડેથ મામલે સિનીયર આઇપીએસે પણ ઝુકાવ્યું : ગુજરાતી-હિન્દી અને અંગ્રેજીમાં હસમુખ પટેલના ટવીટથી ભારે ગરમાવો

રાજકોટ, તા., ૨: તામીલનાડુમાં પોલીસ લોકઅપમાં પિતા-પુત્રના કહેવાતા 'કસ્ટોડીયલ  ડેથ'ની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવવા સાથે ભારે ચકચાર જગાવી છે ત્યારે ગુજરાતના સિનીયર આઇપીએસ અને પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના વડા હસમુખ પટેલે ચિંતા સાથે દુઃખ વ્યકત કર્યુ છે.

હસમુખ પટેલે ટવીટરના માધ્યમથી એવુ સજેશન કર્યુ છે કે કસ્ટોડીયલ વાયોલન્સના આક્ષેપોની ઝડપથી તપાસ કરવી જોઇએ. તપાસ દરમિયાન કોઇ જવાબદાર જણાય તો તેની વિરૂધ્ધ ઝડપથી કાનૂની પગલા લેવામાં આવે તો પોલીસ દળને યોગ્ય મેસેજ મળશે અને ભવિષ્યમાં આવા બનાવો  બનતા અટકી જશે.

ગુજરાતના પોલીસ તંત્રમાં કાર્યદક્ષ સ્વચ્છ છબી ધરાવતા આ આઇપીએસ ખુબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમવાળા  અધિકારી તરીકે જાણીતા છે. રાજય સરકાર પર દારૂબંધીની નીતિ સામે માછલાઓ ધોવામાં આવે ત્યારે આ અધિકારીને સ્ટેટ મોનીટરીંગ સેલ, એસીબી  અને સાઉથ ગુજરાતમાં મહત્વના પોસ્ટીંગ આપ્યા બાદ મામલો શાંત થયે સાઇડ પોષ્ટીંગ આપવામાં આવતું હોય છે તેવું જાણકારો માની રહયા છે.

હસમુખ પટેલ જેવા સિનીયર આઇપીએસ દ્વારા કસ્ટોડીયલ ડેથ મામલે ગુજરાતી-હિન્દી અને ઇંગ્લીશમાં થયેલ ટવીટને કારણે સમગ્ર મામલો વિચારણીય બની ગયો છે.

(11:47 am IST)