Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કોરોનાની અસર... આર્થિક સુનામી ભણી જઈ રહ્યુ છે સુરત

મંદી પછી લોકડાઉનને કારણે હીરા બજાર અને કાપડ બજારમાં કામકાજ ઠપ્પઃ ઉદ્યોગકારો નવરાધૂપઃ મહામારીને કારણે તમામ સીઝન કોરી ગઈઃ લાખો શ્રમિકો વતન ચાલ્યા ગયાઃ અનેક વેપારીઓના લોકડાઉનના કારણે પૈસા ફસાઈ ગયાઃ હીરા બજાર બંધઃ અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ

નવી દિલ્હી, તા. ૨ :. દેશના વિકાસમાં ભાગીદાર બનતા સુરત શહેરની રોનક હાલ છીનવાઈ ગઈ છે. ટેકસટાઈલ અને હીરા બજારમાં કોરોનાને કારણે મંદી છવાઈ જતા અને જો ટૂંકાગાળામાં કોરોના વિદાઈ નહિ લ્યે તો આ શહેર આર્થિક સુનામીના પંજામાં આવી જશે.

મળતી માહિતી મુજબ મેન મેડ ફાયબર અર્થાત આર્ટ સિલ્ક કપડા ઉદ્યોગ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કે જે પહેલેથી જ મંદીમાં હતો અને પછી લોકડાઉનના ૩ મહિનામાં આ ઉદ્યોગમાં કામકાજ ઠપ્પ થઈ ગયુ હતું. ઈતિહાસમાં પહેલીવાર આટલા લાંબાગાળા માટે બંધ રહ્યુ કે કપડા જ ન બન્યા. હવે કોરોના અનેક મહિનાઓ સુધી જવાનો નથી. એવામાં ૨૦૧૯થી ચાલી આવતી મંદી ૨૦૨૦ના અંત સુધીમાં આ સેકટરમાં આર્થિક સુનામીનું સ્વરૂપ લઈ લેશે. સ્થિતિ નહિ સુધરે તો અને સરકારી પેકેજ જાહેર નહી થાય તો સુરતની કપડા બજારની હાલત ભયાનક થઈ જવાની છે.

સુરતમાં લગભગ ૩૫૦ કપડા મીલો અને વિવિધ પ્રોસેસીંગ એકમો છે. મળતી માહિતી અનુસાર અનલોક-૧.૦માં શ્રીગણેશ કરવા અને માર્કેટમાં પોતાનો વેપાર બચાવવા તથા માસ્ટર કારીગરોને રોકવાના હેતુથી કેટલાક નાના ઓર્ડર સાથે ૪૦ જેટલી મીલો શરૂ થઈ પરંતુ મોટા ઓર્ડર તથા મજુરોની સમસ્યામાં માલ બનવા કરતા કોલસો વધુ બળી રહ્યો છે. આ સિવાય નુકશાનીના કારણે અનેક મિલો બંધ થવાના આરે છે. ઉદ્યોગકારોને પગાર, મેન્ટેનન્સ, ખર્ચા પોસાતા નથી. અત્રે એ નોંધનીય છે કે યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેના લાખો મજુરો પાછા ચાલ્યા ગયા છે. એવામાં ટેકસટાઈલ ઉદ્યોગની ગાડી પાટે ચડતી નથી. અત્યારે તો ઉદ્યોગકારો સરકારી સહાયની આશા રાખી બેઠા છે.

ટેકસટાઈલ ઉદ્યોગ ચેઈન સિસ્ટમથી ચાલે છે. ગ્રામીણ રીટેઈલરથી શરૂ થઈ જથ્થાબંધ ડીલર પાસેથી પસાર થતા નિર્માતા સુધી પહોંચે છે. મોટાભાગના ઉદ્યોગકારોનો ધંધો ઓછા માર્જીન પર લાખોના દેવા અને ક્રેડીટના ભરોસે ચાલે છે. શ્રમિક, ટ્રાન્સપોર્ટ અને કાચો માલ તેની કરોડરજ્જુ હોય છે. તહેવારો અને અન્ય સીઝન કમાવવા તથા ખોટને સરભર કરવા માટેની હોય છે. કોરોનાને કારણે લગ્નો થતા નથી. સ્કૂલ બંધ છે. રક્ષાબંધન સહિતના તહેવારો સાદાઈથી ઉજવવાના છે તેવા માંગ રહેવાની નથી. લોકડાઉનને કારણે રેડી સ્ટોક અને જૂના વેચાયેલા માલના પૈસા મુસીબત બન્યા છે.

મહિનાઓ બાદ ખુલેલુ હિરાબજાર પણ બંધ કરવુ પડયુ છે. જેને કારણે લાખો લોકો કામધંધા વગરના થઈ ગયા છે. આ સ્થિતિ સુરત માટે ઘણી ખરાબ અનુભવી સમી છે.

(11:47 am IST)