Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા પરીક્ષા લેવાશે

કોલેજોની પરીક્ષા રદ થઇ ત્યાં હવે શાળાઓની પરીક્ષા લેવાનો નિર્ણય : હોમ લર્નિંગ કાર્યક્રમમાં બાળકો કેટલું શિખ્યા? તે ચકાસવા પરીક્ષા લેવાશેઃદરેક પ્રશ્નપત્ર ૨૫ ગુણના રહેશે

અમદાવાદ,તા.૨: એક તરફ જયાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયની તમામ કોલેજોની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ સરકારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

રાજયના શિક્ષણ વિભાગે મંગળવારે રાજયની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનો આદેશ આપ્યો છે.

સમયાંતરે મૂલ્યાંકન પરીક્ષા એ બાળક કેટલું શીખ્યો છે તે ચકાસવા માટેની છે સાથે જ આ પરીક્ષા માતા-પિતાની દેખરેખ હેઠળ દ્યરે બેઠા જ લેવામાં આવશે, તેમ એક મીડિયા નિવેદનમાં જણાવાયું હતું. પરીક્ષા મુખ્ય ભાષા અને ગણિતની લેવાશે. દરેક પેપર ૨૫ માકર્સના હશે. શાળાઓએ ૨૮ જુલાઈ સુધીમાં પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓના દ્યર સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવી પડશે. માતા-પિતાએ ૩૧ જુલાઈ સુધીમાં શાળાઓમાં ઉત્ત્।રવહી જમા કરાવવી પડશે. પ્રશ્નપત્રોમાં પાંચ પ્રશ્ન હશે અને દરેક પાંચ-પાંચ માકર્સના હશે.

ગયા મહિનાની શરૂઆતમાં, મહામારીની નવા શૈક્ષણિક સત્ર પર અસર ન થાય તે માટે સરકારે 'હોમ લર્નિંગ'કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા 'વીકલી લર્નિંગ મટિરિયલ' પૂરું પાડવામાં આવી રહ્યું છે.કોરોના વાયરસ મહામારીના કારણે શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે. જેથી શાળાના વિદ્યાર્થીઓને ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ માટે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

(11:30 am IST)