Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે : બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરાશે

પિરોટન-શિયાળ બેટ- બેટ દ્વારકા આયલેન્ડના વિકાસ માટે ડિટેઇલ પ્લાનીંગ કરી વિશ્વના આ ક્ષેત્રના તજ્જ્ઞોની સેવાઓ લેવાનો નિર્ણય:મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠક સંપન્ન

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.
   આ બેઠકમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ  ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે.
 રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપૂઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબક્કે રૂ. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.
 ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ થી વધુ આયલેન્ડ સ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ  ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ  ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ  ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે.
  આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.
પિરોટન ટાપૂ પર જવા-આવવા માટે દરિયાઇ ભરતી વેળાની સ્થિતી વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એવું પ્રેરક સૂચન કર્યુ હતું કે પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડ ના પ્રવાસન આકર્ષણ કેન્દ્ર રૂપ વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ કરીને વિશ્વના આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજ્જ્ઞોની સેવાઓ પણ તેમાં જોડવામાં આવે.
તેમણે પિરોટન ટાપૂની વિશેષતા એવા કોરલ સહિત બર્ડવોચિંગ, લાઇટ હાઉસ વગેરેને પણ પ્રવાસન હેતુસર વિકસીત કરવા જણાવ્યું હતું.  
મુખ્યમંત્રીએ આ ટાપૂઓ પરની પ્રવાસન સહિતની વિવિધ ગતિવિધિઓમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે તે માટે આઇ.ટી.આઇ દ્વારકાને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે કાર્યરત કરવા સંબંધિત વિભાગોને સંકલન માટેની તાકિદ કરી હતી.
મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાઇનાથન, ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  એમ. કે. દાસ તેમજ સચિવ અશ્વિનીકુમાર, વન-પર્યાવરણ, પ્રવાસન વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

(8:03 pm IST)