Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

અમદાવાદ : અનેક ભાગોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક

પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ઠંડા પવન અને ગાજવીજ સાથે વરસાદના કારણે સમગ્ર શહેરમાં લોકો ખુશખુશાલ : પાણી ભરતા દાવાઓ પોકળ

અમદાવાદ,તા. ૨ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના વિધિવત્ આગમન બાદ અમદાવાદમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ આજે બીજા રાઉન્ડની એન્ટ્રી મારી હતી. આજે સાંજે પાંચ વાગ્યા પછી શહેરના એસજી હાઇવે, વેજલપુર, જોધપુર, શિવરંજની, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, નવરંગપુરા, નરોડા, નારોલ, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ઠંડા પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જો કે, વરસાદનું જોર એકંદરે હળવું હોવાથી સમગ્ર શહેરનું વાતાવરણ ઠંડકમય અને આહ્લાદક બની ગયું હતુ પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર આજે પાણી ભરાઇ ગયા હતા. આટલા ઓછા વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અમદાવાદ મ્યુનિસિલપ કોર્પોરેશનના ચોમાસાના પ્લાનીંગ અને એકશન પ્લાનને લઇ ફરી એકવાર ગંભીર સવાલો ઉઠયા હતા. શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ અને તાપના બાફ અને ઉકળાટ વચ્ચે નાગરિકોએ ભારે અકળામણ અનુભવી હતી પરંતુ સાંજે પાંચેક વાગ્યા પછી અચાનક વાતાવરણમા પલ્ટો આવ્યો હતો અને ઠંડો પવન ફંુકાવાની સાથે જ ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ તૂટી પડયો હતો. વરસાદી ઝાપટાંઓના કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ ઠંડું અને આહ્લાદક બની ગયું હતુ. ખાસ કરીને મેઘરાજાની બીજા રાઉન્ડની એન્ટ્રીને પગલે શહેરીજનોએ બાફ અને ઉકળાટમાંથી રાહત મેળવી હતી. બીજીબાજુ, બીજા રાઉન્ડના સામાન્ય અને હળવાથી ભારે વરસાદના ઝાપટાઓને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વ અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ વિસ્તારની નીચાણવાળી કેટલીક સોસાયટીઓ અને દુકાનો-કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આજના વરસાદના કારણે શહેરના એસ.જી હાઇવે, વેજલપુર, જોધપુર, શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતાં નાગરિકો અને વાહનચાલકો પણ હાલાકીમાં મૂકાયા હતા. અમદાવાદમાં સામાન્ય વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ફરી એકવાર ખુલ્લી પાડી દીધી હતી.  ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં આટલા ઓછા વરસાદમાં પણ પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી.

(8:16 pm IST)