Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

અમદાવાદમાં આજે સાંજે કોંગ્રેસની મૌન રેલી

નિર્ભયાકાંડ અને મહિલાઓ પર અત્યાચારો વધતા કોંગ્રેસ આવી મેદાનમાં: પોલીસ કાર્યવાહીને વખોડાઈઃ મણીનગર રેલ્વે સ્ટેશનથી કાંકરીયા સુધી વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા. ૨ :. અમદાવાદમાં થયેલા નિર્ભયાકાંડમાં રાજ્યમાં ઠેરઠેરથી પોલીસ અને સરકારની કામગીરી સામે વિરોધ પ્રદર્શનનો કોંગ્રેસે કર્યા છે ત્યારે ગઈકાલે પીડીતાએ પોલીસ અધિકારી જે.કે. ભટ્ટ વિરૂદ્ધ ચોંકવનારા આરોપો કર્યા બાદ અમદાવાદ કોંગ્રેસે પણ હવે આ પ્રકરણ તથા મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો ઘડી કાઢયા છે. આજે સાંજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા સાંજે ૬ વાગ્યે મણીનગરથી કાંકરીયા સુધી મૌન રેલીનું આયોજન કર્યુ છે.

રાજકોટમાં રવિવારે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા થાળી-વેલણ સાથે કુચ કરી સરકારને ઢંઢોળવા માટે કાર્યક્રમ આપ્યો હતો અને આ કાર્યક્રમ ટાંકણે જ અમદાવાદમાં પીડીતા અને તેના પિતા દ્વારા મીડીયા સમક્ષ પોલીસ અધિકારી જે.કે. ભટ્ટ સામે બેહુદા સવાલો કર્યાનું જણાવી આરોપીઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યાનું જણાવતા આ પ્રકરણમાં જુદો જ વણાંક આવ્યો હતો.

દરમ્યાન આજે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે અમદાવાદ ખાતે મણીનગરથી કાંકરીયા સુધી મૌન રેલી યોજી મહિલાઓ પર થતા અત્યાચારો વધી રહ્યાનું જણાવી તમામ કોંગ્રેસીઓને સાંજે મણીનગર ખાતે ઉમટી પડવા હાકલ કરાઈ છે.

આજે સાંજે રેલી બાદ પ્રેસ મીડીયા સાથે કોંગ્રેસી અગ્રણીઓ વાતચીત કરીને અમદાવાદના નિર્ભયાકાંડ મામલે ચોંકાવનારા આરોપો પણ જણાવશે તેમ મનાય છે ત્યારે અમદાવાદના નિર્ભયાકાંડમાં હવે પોલીસ અને સરકાર તાકીદે સત્ય બહાર લાવે તે માટે ભારે ઉત્તેજના જાગી છે.(૨-૪)

(11:44 am IST)